સુરતના ચોક બજાર વિસ્તારમાં ટ્રાફિક પોલીસ ટ્રાફિક નિયમન કરી રહી હતી, ત્યારે એક સ્કૂલ ઓટો જોઈ ટ્રાફિક પોલીસ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતાં. આ ઓટોમાં નિર્ધારિત કરેલા બાળકો કરતા વધારે વિદ્યાર્થીઓ બેઠેલા હતાં. જ્યારે ટ્રાફિક પોલીસે એક-એક કરી બાળકોને ઓટોમાંથી બહાર કાઢવાનું શરૂ કર્યું હતું, ત્યારે પોલીસ સ્તબ્ધ રહી ગઈ હતી. જેથી સ્કૂલ ઓટો ચાલકને રોકી પોલીસે વિડીયો બનાવ્યો હતો.
આ ઓટોમાં ઘેટાં બકરાની જેમ માસૂમ વિદ્યાર્થીઓ ભર્યા હતાં. પોલીસ અધિકારીએ બાળકોને લાઇનમાં ઉભા રાખી જ્યારે તમામની ગણતરી કરી તો એક ઓટોમાં કુલ 20 જેટલા વિદ્યાર્થીઓ હોવાનું જાણવા મળ્યુ હતું. આ બાબતે ઓટો ચાલક, સ્કૂલ સંચાલક સહિત વાલીઓની પણ ગંભીર બેદરકારી સામે આવી છે. વાલીઓ એ પણ હવે સજાગ થવાની જરૂર છે કે, તેમના બાળકને જે રિક્ષામાં મોકલે છે. તે રિક્ષામાં કેટલા બાળકો છે. તેની જાણકારી લે નહીં તો કોઈ દિવસ અક્સ્માત થશે તો તેના ગંભીર પરિણામ ભોગવવા પડશે.