વલસાડ: દહીંહાંડીના કાર્યક્રમમાં મટકી ફોડતી વખતે પોલ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. દુર્ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. મળેલી માહિતી અનુસાર આ વીડિયો વલસાડ જિલ્લાના પારડી તાલુકાના મોટાવાઘછીપા ગામની હાઈસ્કુલનો છે. શાળામાં બનેલી આ ઘટનાને લઈને વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે અને શિક્ષકોના આયોજન અંગે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે.
વિદ્યાર્થીઓએ ઈજાગ્રસ્ત: દુર્ઘટનામાં 4 વિદ્યાર્થીઓએ ઇજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને હાલ પારડીમાં આવેલી મોહન દયાળ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમને પ્રાથમિક સારવાર આપ્યા બાદ રજા આપી દેવામાં આવી હતી. તમામ વિદ્યાર્થીઓના સારવારનો ખર્ચ શાળાના શિક્ષકો દ્વારા ઉઠવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે
'ઘ્વાજારોહણ માટે બનાવવામાં આવેલો પોલ પર દબાણ આવતા તૂટી પડ્યો હતો. આ ઘટનામાં 4 વિદ્યાર્થીઓને ઇજા પહોંચી હતી. અમે ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓએ હોસ્પિટલ લઇ ગયા હતા. જોકે હાલ તેમની હાલત સારી છે. સારવાર બાદ પણ તેમની હાલત અંગે અમે જાણકારી મેળવી છે.' -મનીષભાઈ પટેલ, આચાર્ય, ડી.પી પટેલ હાઇસ્કુલ
આગ સાથે સ્ટંટ કરતા એક યુવક દાઝ્યો: સમગ્ર રાજ્યમાં દહીંહાંડીનો કાર્યક્રમ ખુબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો છે. જોકે આ દરમિયાન અનેક જગ્યાએ દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા હતા. સુરતમાં પણ મટકી ફોડ દરમિયાન આગ સાથે સ્ટંટ કરતા એક યુવક દાઝ્યો હોય તેવી ઘટના સામે આવી હતી. જોકે તેને પણ કોઈ ગંભીર નુકસાન થયું નથી.