સુરત : કામરેજ ગામમાં પણ રખડતા ઢોરના કારણે રહીશો હેરાન પરેશાન થઈ ગયા હતા. ઢોર રસ્તા પર અંડિગો જમાવીને બેસતા હોવાથી વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવતો હતો. તેમના કારણે અનેકવાર લોકો અકસ્માતનો ભોગ બનતા હોય છે. આ સમસ્યામાંથી લોકોને છુટકારો મળે તે માટે ગ્રામ પંચાયત દ્વારા કડક કામગીરી કરવામાં આવી છે. ગ્રામ પંચાયત દ્વારા રસ્તા પર ઢોરને ન છોડવા માટે થોડા દિવસ પહેલા તમામ પશુપાલકોને નોટિસ આપવામાં આવી હતી, તેમ છતાં સમસ્યા યથાવત રહેતા આખરે તમામ ઢોરને પકડવાની તજવીજ હાથ ધરી હતી.
રખડતા ઢોરની સમસ્યા કામરેજ ગ્રામ પંચાયત માટે ખૂબ જ મોટી છે. આ બાબતે જાહેર જનતા દ્વારા વારંવાર તેમને અમારા થકી રજૂઆત કરવામાં આવતી હોય છે. જે રજૂઆતના આધારે પશુપાલકોને બોલાવી આ બાબતે નોટિસ પણ આપવામાં આવી હતી છતાં આ સમસ્યા યથાવત રહેતા આખરે પંચાયત દ્વારા આ રખડતા ઢોરને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. - સરપંચ કિંજલ બેન
ગામમાં રખડતા ઢોરની સમસ્યાના કારણે લોકોને ખૂબ હાલાકી ભોગવવાનો વારો આવતો હતો. રહીશો દ્વારા આ બાબતે પંચાયતમાં રજૂઆત કરવામાં આવતા હાલ પંચાયત દ્વારા રખડતા ઢોરને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. પ્રથમ દિવસે લગભગ 52 જેટલા ઢોરને પકડવામાં આવ્યા છે. પંચાયત દ્વારા હાલ જે કામગીરી કરવામાં આવી રહી છે એ આવકારવી દાયક છે. - આગેવાન, સુરેશ આહિર