સુરતના ઉમરા વિસ્તારમાં આવેલી સેવન્થ-ડે મેટાસ સ્કુલ દ્વારા સ્કૂલ ફીમાં 40 થી 50 ટકાનો વધારો કરવામાં આવ્યો છે, જેનો વાલીઓ છેલ્લા ચાર દિવસથી વિરોધ નોંધાવી રહ્યા છે. આજરોજ પાંચમા દિવસે પણ વાલીઓ છે તે શાળાના ગેટ બહાર પહોંચ્યા છે અને શાંતિપૂર્ણ રીતે પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે. વાલીઓના જણાવ્યાનુસાર શાળા સંચાલકો દ્વારા જ્યાં સુધી ફી ઘટાડો નહીં કરવામાં આવે ત્યાં સુધી તેઓ લડત અવિરતપણે ચાલુ રાખશે. શાળા સંચાલકોની અદોડાઈ સામે વાલીઓ પણ હવે લડી લેવાનું મન બનાવી ચૂક્યા છે. એટલું જ નહીં ફી વધારાના મુદ્દે વાલીઓએ એક મંડળ બનાવવાની પણ તૈયારી હાથ ધરી દીધી છે. જેમાં દરેક વિદ્યાર્થીઓના વાલી દ્વારા ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. વાલી મંડળના સભ્ય ફી વધારાના મુદ્દે સરકારી કચેરી હોય કે પછી શાળા સંચાલકોને જઇ રજૂઆત કરશે.બે - ત્રણ દિવસની અંદર ફી ઘટાડો નહીં કરવામાં આવે તો સોમવારથી વાલીઓ ભૂખ હડતાળ પર ઉતરશે તેવી ચીમકી પણ સ્પષ્ટ ઉચ્ચારવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સુરત જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીથી ચાર કલાસ ટુ અધિકારીઓની ટિમ આ મામલે સેવેનથ ડે શાળામાં એફઆરસીના મુદ્દે તપાસ કરી રહી છે. જેનો રિપોર્ટ બાદમાં એફઆરસી કમિટીને સોંપવામાં આવશે. જ્યાં રિપોર્ટ આવ્યા બાદ એફઆરસી આગળની કાર્યવાહી પણ કરશે.