સુરતના ભાગતલાવ વિસ્તારમાં આવેલા ધરમ કૃતિ શોપિંગ કોમ્પ્લેક્ષ,જે કોમ્પલેક્ષ ગેરકાયદેસર હોવાની ફરિયાદ મનપા કમિશ્નરને મળી હતી, જે બાદ વિજિલન્સ તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર એક વર્ષ અગાઉ શહેર ભાજપ પ્રમુખના અંગત ગણાતા અને ભાજપમાં સક્રિય કાર્યકર તરીકે રહેલા સંજય દલાલ સહિત તેના ભાગીદારો દ્વારા રાજકીય વગનો ગેરલાભ ઉઠાવી આ ગેરકાયદે શોપિંગ કોમ્પ્લેક્ષ ઉભું કરવામાં આવ્યું હતું.
સંજય દલાલ અને તેના ભાગીદારો દ્વારા રેસિડેન્ટનો પ્લાન મૂકી કોમર્શિયલ શોપિંગ કોમ્પ્લેક્ષ બનાવી દેવામાં આવ્યું હતું.જ્યાં જે તે સમયે પાલિકામાં ફરજ બજાવતા અધિકારીઓ દ્વારા ડિમોલિશન પણ કરવામાં આવ્યું હતું.જો કે બાદમાં ભાજપના કાર્યકર સંજય દલાલ અને તેના ભાગીદારો દ્વારા જાતે ગેરકાયદેસર બાંધકામ ઉતારી દેવાની બાંહેધરી આપી હતી.પરંતુ બાદમાં રાજકીય વગ અને પાલિકા અધિકારીઓની સાંઠગાંઠમાં ફરી રેસિડેન્ટના બદલે ગ્રાઉન્ડ પ્લસ ચાર માળનું ગેરકાયદેસર શોપિંગ ઉભું કરાયું હતું.
આ અંગે સુરત મહાનગરપાલિકા કમિશ્નર એમ.થેનારાશનને ફરિયાદ મળતા તાત્કાલિક શોપિંગ કોમ્પ્લેક્ષને શીલ કરી વિજિલન્સ તપાસ બેસાડવામાં આવી હતી.જે રિપોર્ટ બે દિવસની અંદર સોંપવા આદેશ કરાયો હતો.રિપોર્ટ આવ્યા બાદ જે તે સમયના પાલિકા અધિકારીની જવાબદારી પણ નક્કી કરવામાં આવશે.
પાલિકા કમિશનરના જણાવ્યાનુસાર હાલ બાંધકામને શીલ કરી નોટિસ ફટકારવામાં આવી છે.સમય મર્યાદામાં બાંધકામનું ડિમોલિશન કરવામાં આવશે.વિજિલન્સ તપાસનો રિપોર્ટ આવ્યા બાદ જવાબદારો સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.