સુરતઃ જિલ્લાના પલસાણા તાલુકાના દસ્તાન ગામે બની રહેલા રેલવે ઓવરબ્રિજનું કામ ચાર વર્ષ બાદ પણ અધૂરું છે. જેથી વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. ત્યારે એક જાગૃત નાગરિક દ્વારા જાહેર હિતમાં અરજી કરી ઓવરબ્રિજની કામગીરી સમયસર પૂર્ણ ન કરવા બદલ વિસ્તારના સાંસદથી લઈ તમામ જવાબદારો સામે કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે. તેમજ જો એક મહિનાની અંદર કાર્યવાહી કરવામાં નહી આવે તો 18 ઓક્ટોબરથી ગાંધીચિંધ્યા માર્ગે સત્યાગ્રહ કરવાની ચીમકી આપવામાં આવી છે.
પલસાણા તાલુકાનાં ગાંગપુર ગામના મનીષ બી. પટેલે જિલ્લા કલેક્ટરને આ નિર્માણાધીન રેલ્વે ઓવરબ્રિજ બાબતે જાહેર હિતની અરજી કરી છે. જેમાં તેમણે જણાવ્યુ છે કે, દસ્તાન ગામે તાપ્તી રેલ્વે લાઇન પર બનાવવામાં આવી રહેલા રેલ્વે ઓવરબ્રિજની કામગીરી છેલ્લા ઘણા સમયથી બંધ છે. ભૂમિ પૂજન વખતે આ યોજનાને દોઢ વર્ષની સમયાવધિમાં પૂર્ણ કરવા કોન્ટ્રાકટરને જણાવવામાં આવ્યું હતું. પરંતુ ચાર વર્ષથી વધુ સમય થવા છતાં હજી કામ પૂર્ણ થયું નથી.
રાજ્યમાં અને કેન્દ્રમાં છેલ્લા 6 વર્ષથી એક જ પક્ષની સરકાર હોવા છતાં કાર્યમાં થઈ રહેલા વિલંબ માટે તેમણે ચૂંટાયેલા પ્રતિનિધિઓની નિષ્ક્રિયતા અને ઉદાસીનતાને જવાબદાર ગણાવી છે. તેમણે અરજીમાં વિપક્ષ દ્વારા પણ અવાજ ઉઠાવવામાં આવ્યો ન હોવાથી તેમની પણ ઝાટકણી કાઢી છે. અરજીમાં એવો પણ આરોપ લગાવ્યો છે કે, કોન્ટ્રાકટર સત્તાધારી પાર્ટીના જાણીતાને મળ્યો હોવાથી તેમને કરાર મુજબ થયેલા વિલંબની પેનલ્ટી પણ કરવામાં આવતી નથી. યોજના લંબાતા કોસ્ટિંગ વધશે અને તેના કારણે પ્રજાના જ ખિસ્સા હળવા થશે. કોસ્ટ વધારવા બદલ તેમને કોન્ટ્રાકટર, કોન્ટ્રાક્ટ આપનારા અધિકારીઓ, યોજનાને મંજૂર કરી ફરી તેની તરફ ડોકિયું ન કરનારા નેતાઓ, ધારાસભ્ય અને વિસ્તારના સાંસદ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા અરજીમાં વિનંતી કરી છે.
આ નિર્માણની કામગીરીને કારને અનેક રાહદારીઓ અને વાહન ચાલકોએ આ સ્થાન પર જીવ ગુમાવ્યો છે, ત્યારે જનતાને આર્થિક, શારીરિક અને માનસિક કષ્ટ પહોંચાડવા બદલ તેમજ અપ્રત્યક્ષ રૂપે માનવવધ કરવા બદલ જરૂરી તપાસ કરી દોષીઓ સામે કડક કાર્યવાહી કરવાની માગ તેઓએ કરી છે.
જો 17 ઓક્ટોબર 2020 સુધીમાં નક્કર કાર્યવાહી ન કરવામાં આવે તો યોજના સાથે સંકળાયેલા તમામ જવાબદારોને જનતાના ગુનેગાર ગણી ફોજદારી અને દિવાની રાહે કાર્યવાહી કરવાની અને જો એમ ન થાય તો 18મીથી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી તેઓએ ઉચ્ચારી છે.