સચિન પોલીસને માહિતી મળી હતી કે, પલસાણા ટી-પોઇન્ટ નજીક આવેલા રંજની રેસીડેન્સીના 10માં માળે આવેલ ફ્લેટમાં બનાવટી ચલણી નોટોનો મોટો કારોબાર ચાલી રહ્યો છે. જેથી માહિતીના આધારે સચિન પોલીસે ફ્લેટમાં છાપો મારી બનાવટી ચલણી નોટોનું કારખાનું ઝડપી પાડ્યું હતું. પોલીસને ઘટના સ્થળેથી મહિલા સહિત બે આરોપીઓને ઝડપી પાડ્યા છે.
ફ્લેટમાં તપાસ કરતા પ્રિન્ટર મશીન, શાહી સહિત બનાવટી ચલણી નોટો બનાવવા માટે ઉપયોગમાં લેવાતા કાગળોના બંડલો પણ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યા હતા. જ્યારે ઘટના સ્થળેથી 2 હજારના દરની 84 લાખથી વધારે પાંચસોના દરની 1,20,000 જેટલી બનાવટી નોટો પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી કાનજી રણછોડ ભરવાડ અને સુનીતા લક્ષ્મણભાઇ ભાઉ ભાવનગરના વતની સચિન પરમાર સાથે મળી બનાવટી ચલણી નોટો છાપવાનું કામ કરતા હતા. જ્યાં પોલીસે છાપો મારતા સચિન પરમાર ફરાર થઈ ગયો હતો.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, બનાવટી નોટોનો કારોબાર ચલાવતો સચિન પરમાર મૂળ ભાવનગરનો વતની છે અને તે ભાવનગરના ભરતનગર અને અમરેલી જિલ્લા પોલીસ મથકમાં પણ બનાવટી આ કારોબાર ચલાવી રહ્યો છે તે અંગેનો ગુનો નોંધાઈ ચૂક્યો છે. જ્યારે ઝડપાયેલો આરોપી કાનજી રણછોડ ભરવાડ ઉધના મગદલ્લાનો રહેવાસી છે અને વડોદરાના પાણીગેટ પોલીસ મથકમાં પણ બનાવટી ચલણી નોટોના કારોબારમાં ઝડપાઇ ચૂક્યો છે. જ્યારે સુનિતા લક્ષ્મણ ભાઉ સુરતના વરિયાવી બજારની રહેવાસી છે અને આરોપીઓ સાથે બનાવટી ચલણી નોટોના કારોબાર સાથે જોડાયેલી છે જે અંગેની તપાસ હાલ ચાલી રહી છે.
હાલ સચિન પોલીસે આરોપીઓ પાસેથી એક ફોર વ્હીલ કાર, બે મોબાઈલ, સ્કેનર, પ્રિન્ટર મશીન અને બનાવટી ચલણી નોટો મળી કુલ 90 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે ફરાર સચિન પરમારની પણ પોલીસ દ્વારા શોધખોળ શરૂ કરવામા આવી છે. આરોપીઓ કેટલા સમયથી બનાવટી નોટોનો કારોબાર કરતા હતા તેની તપાસ પોલીસ દ્વારા શરૂ કરવામા આવી છે. સાથે જ બનાવટી નોટો હમણાં સુધી ક્યાં અને કોને આપવામાં આવી છે તેની ઝીણવટભરી તપાસ પોલીસ કરી રહી છે. બનાવટી ચલણી નોટોના તાર ક્યાં સુધી પ્રસારાયેલા છે તે અંગે પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. પોલીસ રિમાન્ડ દરમિયાન બનાવટી ચલણી નોટોના કારોબાર અંગે નવા ખુલાસા બહાર આવે તો નવાઈ નહીં.