સુરત : શહેરમાં માથાભારે છાપ ધરાવનાર ફાઇનાન્સર ચિરાગ મેરની સુરત સાયબર ક્રાઇમ ટીમ દ્વારા ગુજસીટોકના ગુના હેઠળ ધરપકડ કરવામાં આવી છે. અગાઉ આરોપી ચિરાગ મેર પર પાસા અને તડીપાર કરવા સહિતની કાર્યવાહી સુરત પોલીસ દ્વારા કરવામાં આવી ચૂકી છે. પોતાને ફાઇનાન્સર કહેનાર આરોપી ચિરાગ મેર વિરુદ્ધ 25 થી પણ વધુ ગુના નોંધાઈ ચૂક્યા છે. ઉપરાંત માત્ર 28 વર્ષની ઉંમરે ગેંગ બનાવી હોવાનું કહેવામાં આવે છે.
કુખ્યાત ચિરાગ મેર ઝડપાયો : સુરત સાયબર સેલ દ્વારા શહેરના માથાભારે ફાઇનાન્સર ચિરાગ મેરની ધરપકડ કરવામાં આવી છે. આરોપી ચિરાગ મેર વિરુદ્ધ ગુજસીટોકનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરાઈ છે. પોલીસે કોર્ટમાંથી આરોપી ચિરાગ મેરના ચાર દિવસના રિમાન્ડ પણ મેળવ્યા છે.
25 ની ઉંમરમાં બનાવી ગેંગ : આરોપી ચિરાગ મેર સામે હત્યાની કોશિશ, અપહરણ, લૂંટ, ચિટિંગ, મારામારી, ખંડણી અને વ્યાજખોરી સહિતના 25 જેટલા ગંભીર ગુના નોંધાઈ ચૂક્યા છે. આરોપી ચિરાગ મેર 28 વર્ષની કાચી ઉંમરમાં સુરત શહેરમાં ગેંગ બનાવી 25 થી પણ વધુ ગુના આચરી ચૂક્યો છે. આરોપીઓ સંગઠિત ગુના આચરતી ટોળકી છે. જેથી તેની ઉપર લગામ લગાવી ખૂબ જ જરૂરી છે. આ હેતુથી સુરત પોલીસ દ્વારા આરોપીઓ વિરુદ્ધ ગુજરાત કંટ્રોલ ટેલિવિઝન એન્ડ ઓર્ગેનાઇઝડ ક્રાઇમ 2015 હેઠળની કલમનો ઉમેરો કરવામાં આવ્યો હતો.
હાલમાં જ ચિરાગ મેર ગેંગના મુખ્ય લીડર 28 વર્ષીય ચિરાગ મેરની ડીંડોલી ખાતેથી ધરપકડ કરવામાં આવી છે અને ચાર દિવસના પોલીસ કસ્ટડીમાં રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરાઈ છે. આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. -- કુલદીપ ગોહિલ (SP, સુરત સાયબર સેલ)
માથાભારે આરોપી : હાલમાં જ આરોપી ચિરાગ મેરે અન્ય આરોપીઓ સાથે મળીને સુરત શહેરના મોટા વરાછા વિસ્તાર ખાતે એકત્ર થઈ ફરિયાદી પાસે પૈસાની લેવડદેવડ મામલે લાકડા અને પાઇપ વડે હુમલો કર્યો હતો. જેના કારણે ફરિયાદીના માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી. એટલું જ નહીં ગળામાં પહેરેલા ચેઈનની પણ લૂંટ કરીને આરોપીઓ નાસી ગયા હતા. આ પ્રકરણમાં પોલીસ દ્વારા નવ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.
આરોપીનો ગુનાહિત ઇતિહાસ : આ સમગ્ર મામલે સુરત સાયબર સેલના SP કુલદીપ ગોહિલે જણાવ્યું હતું કે, હાલમાં જ ચિરાગ મેર ગેંગના મુખ્ય લીડર 28 વર્ષીય ચિરાગ મેરની ડીંડોલી ખાતેથી ધરપકડ કરવામાં આવી છે અને ચાર દિવસના પોલીસ કસ્ટડીમાં રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરાઈ છે. આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. લિંબાયત વિસ્તારમાં સાત, પલસાણા અને કામરેજમાં એક-એક, ડીસીબીમાં ત્રણ અને પુના ગામમાં ત્રણ સહિત ગોડાદરામાં પાંચ જેટલી ફરિયાદ તેની સામે દાખલ કરવામાં આવી છે.