સુરત: જિલ્લામાં ગેરકાયદે ગેસ રીફીલિંગનો ધંધો હાલ જોરશોરથી ચાલી રહ્યો છે. સરકાર દ્વારા આપવામાં આવતા સબસીડી વાળા ઘરેલુ વપરાશના બોટલમાંથી 19 કિલોના કોમર્શિયલ બાટલા તેમજ ચાર કિલોના નાના બાટલા ભરીને કાળા બજારમા મોટા પાયે વેચાણ કરવામાં આવે છે. સુરતના ઓલપાડ ખાતેથી આવા જ એક નેટવર્કનો પર્દાફાશ થયો છે.

બાતમીના આધારે કાર્યવાહી: સુરત જિલ્લા SOG એ બાતમીના આધારે ઓલપાડ તાલુકાના દેલાડ ગામે આવેલ ગોલ્ડન ઇન્ડસ્ટ્રીઝમાં (1) બાબા રામદેવ કિરાણા સ્ટોર (2) બાગમાતા કિરાના સ્ટોર્સ તથા (3) ચામુંડા કિરાણા સ્ટોર નામની દુકાનમાં લોકોના જીવના જોખમે ધમધમી રહેલ ગેસ રિફિલિંગ નેટવર્ક ઝડપી લીધું હતું. મુદ્દામાલ ઝડપીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જિલ્લા SOG ની ટીમની તપાસમાં જાણવા મળ્યું હતું કે છેલ્લા છ મહિનાના વધુ સમય ગાળાથી આ કરિયાણાની દુકાનમાં આ ગેરકાદેસર ગેસ રીફિલિંગનો કારોબાર ધમધમે છે. જિલ્લા SOG પીઆઈ બી.જી ઈશરાનીએ જણાવ્યું હતું કે પોલીસે અનિલ ચૌધરી, રાહુલ જાટ અને લાબુરામ દેવાશીની અટક કરી ત્રણ ગેસ ભરેલા બાટલા, ત્રણ અર્ધ ગેસ ભરેલા બાટલા અને ત્રણ ખાલી ગેસના બાટલા સાથે વાલવ વાળી નળીઓ, ત્રણ ઇલેક્ટ્રિક વજન કાંટાઓ મળી કુલ 24,300 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો લીધો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.