નવસારીઃ પ્રેમ આંધળો હોય છે અને પ્રેમ કોઇ ઉંમર જોતો નથી. આવી જ એક ઘટના થોડા દિવસો અગાઉ સુરતના કતારગામના વેવાઇ અને નવસારીના વેવાણ વચ્ચે બની હતી. પોતાના દીકરા-દીકરીના લગ્નની વાતો વચ્ચે વેવાઇ-વેવાણ પ્રેમી પંખીડા બનીને ઉડી ગયા હતા. જો કે, બાદમાં પરિવારની ચિંતા થતાં પરત ફર્યા હતા. આ કારણે ફરી એકવાર વેવાઇ-વેવાણ સોશિયલ મીડિયામાં ટ્રોલ થઈ રહ્યાં છે.
સુરતમાં પ્રેમની એક અનોખી કહાણી સામે આવી છે. કતારગામમાં રહેતા અને મૂળ અમરેલીના ભાઇના દિકરાનું સગપણ નવસારી ખાતે રહેતા અને મુળ ભાવનગરના બહેનની દિકરી સાથે નક્કી કર્યું હતું. પરંતુ વેવાઇ અને વેવાણ વચ્ચે જુવાનીમાં એકબીજા પર ક્રશ હતો અને જ્યારે દિકરા-દિકરીની સગાઇ કરી તો બંને વચ્ચેની નિકટતા વધી હતી. જેને કારણે વર્ષોથી દૂર રહેલા બંનેએ પોતાના બાળકોના લગ્ન પહેલા જ લગ્ન કર્યા હતા. આ ઘટના સમગ્ર રાજ્યમાં વાયરલ થઇ રહી છે અને સોશિયલ મીડિયામાં તો ભારે ટ્રેન્ડમાં છે.
આ ઉપરાંત વેવાણના પરિજનોએ નવસારીના વિજલપોર પોલીસ મથકમાં તેમના ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. જ્યારે વેવાઇનો પરિવાર પણ તેમને શોધવા મથ્યો હતો. તે દરમિયાન બંનેને પોતાના બાળકો અને પરિવારની ચિંતા થતાં વિજલપોર પોલીસ મથકે હાજર થયા હતા. પરંતુ વેવાણને મુશ્કેલી પડી રહેતી હોવાનું જાણીને બંને ફરી એકવાર નાસી છુટ્યા હોવાની ચર્ચાઓ સામે આવી રહી છે.