સુરત: ખાતે રહેતા અને મૂળ રાજસ્થાની વેપારીની 15 વર્ષની દીકરીને ઈન્સ્ટાગ્રામ પર મિત્રતા કરી પોતાના પ્રેમ જાળમાં ફસાવનાર મહારાષ્ટ્રના એક યુવકની સુરત પોલીસે ધરપકડ કરી છે. 21 વર્ષીય મુસેબ મણિયાર મહારાષ્ટ્રના અહમદનગર ખાતે આવેલા સુભાષ નગરમાં રહે છે અને કોપર ગામમાં ગેરેજમાં મજૂરી કરે છે. તેણે પહેલા સુરતની 15 વર્ષીય કિશોરી સાથે ઈન્સ્ટાગ્રામ પર મિત્રતા કરી અને ત્યારબાદ ધીમે ધીમે તેને પોતાના પ્રેમ જાળમાં ફસાવી લીધી. કિશોરીને મળવા માટે તે બે મહિના પહેલા પણ સુરત આવ્યો હતો અને કિશોરીને મળીને પરત મહારાષ્ટ્ર જતો રહ્યો હતો.
કિશોરીને અજમેર ગયો હતો: બે મહિના બાદ આરોપી મુસેબ ફરીથી સુરત આવ્યો હતો. સુરતની એક હોટલમાં તે ત્રણ દિવસ રોકાયો હતો પોતાના જન્મદિવસની ઉજવણી માટે તેને હોટલમાં પહેલા કિશોરીને બોલાવી હતી. ત્યારબાદ કિશોરીને પોતાની સાથે ચાલવા માટે કીધું હતું અને તેને સુરતથી ભગાડીને પહેલા મુંબઈ લઈ ગયો હતો. ત્યાર પછી તે કિશોરીને લઈને અજમેર ગયો હતો. આરોપી કિશોરીને અજમેર થી લઈને પરત મહારાષ્ટ્ર આવી રહ્યો હતો. તે દરમિયાન કાલુપુર રેલવે સ્ટેશન પરથી વેસુ પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી.
આરોપી મુસેબ સહિત નાબાલીકની ધરપકડ: આ સમગ્ર મામલે એસીપી વી. આર. મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, તારીખ 22 ઓક્ટોબર ના રોજ ફરિયાદી બેને સુરતના વેસુ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે બે લોકોએ તેમની દીકરીનું અપહરણ કર્યું છે. જેના અનુસંધાને બેસુ પોલીસના અધિકારીઓએ અપહરણનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી હતી. અલગ અલગ ટીમો બનાવીને કિશોરીને શોધવા માટે પ્રયત્ન શરૂ કરવામાં આવ્યું હતું. પોલીસે આખરે આરોપી તેની સાથે કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર અને પીડિતને કાલુપુર રેલવે સ્ટેશન પરથી શોધી કાઢ્યા હતા. આરોપી તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી પહેલા કિશોરીને મુંબઈ લઈ ગયો હતો અને ત્યાંથી અજમેર ગયો હતો. ત્યારબાદ તેઓ ફરીથી મહારાષ્ટ્ર જઈ રહ્યા હતા. તે દરમિયાન તેમની ધરપકડ કરવામાં આવી હતી.