ડીંડોલીના માનસી રેસિડેન્સી નજીક આવેલા ખુલ્લા પ્લોટમાં અજાણ્યા યુવકનો હત્યા કરાયેલો મૃતદેહ પડી હોવાની જાણકારી સ્થાનિક લોકોએ પોલીસને આપી હતી. જેમાં મંગળવારની મોડી સાંજે આ ઘટનાની જાણકારી મળતા ડીંડોલી પોલીસ સહિતનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, મૃતક યુવક અભિષેક પાટીલની અજાણ્યા શખ્સો દ્વારા તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવી છે.
આ યુવકની હત્યા થઈ હોવાની જાણકારી પરિવારજનોને મળતા તેઓ પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ભારે કલ્પાંત મચાવ્યો હતો. પોલીસ દ્વારા મૃતક યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સુરત સ્મીમેર હોસ્પિટલ ખસેડી આગળની તપાસ શરૂ કરવામાં આવી હતી.
જે પ્રકારે યુવકનો મૃતદેહ મંગળવારની મોડી સાંજે મળી આવ્યો છે, તેને જોતા યુવકની હત્યા સાંજના સમયે કરવામાં આવી હોવાની આશંકા છે. હત્યા કોને અને શા માટે કરી છે, તે જાણવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસ દ્વારા આસપાસના લોકોના નિવેદનો નોંધવાની પણ તજવીજ હાથ ધરાઈ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે માસ દરમિયાન ડીંડોલી વિસ્તારમાં હત્યાનો આ બીજો બનાવ બન્યો છે. બે માસ દરમિયાન સુરતના લીંબયાત અને ડીંડોલી વિસ્તારમાં જ હત્યાની ચાર જેટલી ઘટનાઓ બની ચુકી છે. જેને લઈને કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ કથળતી જોવા મળી રહી છે. સુરતમાં જાણે ગુનાખોરીનો ગ્રાફ દિવસેને દિવસે વધતો જાયે છે, ત્યારે પોલીસ સામે પણ મોટો પડકાર ઉભો થયો છે.