સુરત: સુરત પાલિકા કમિશ્નરે લીંબાયતના સૌથી વધુ અસરગ્રસ્ત મીઠીખાડી વિસ્તારની મુલાકાત કરી હતી. તેમણે સ્થળ પર કરવામાં આવી રહેલા પાણીના નિકાલ અને ખાડીના લેવલ અંગે અધિકારીઓ સાથે સમીક્ષા પણ કરી હતી. પાલિકા કમિશ્નરે જણાવ્યું હતું કે, હાલ પરિસ્થિતિ સામાન્ય બનતી જઇ રહી છે.
મીઠીખાડી અને માધવબાગ જેવા વિસ્તારોમાં જ્યાં હજી પણ ખાડીપૂરના પાણી ઓસર્યા નથી, ત્યાં ગલકર મશીન અને પમ્પથી પાણીના નિકાલ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. સાંજ સુધીમાં તમામ વિસ્તારોમાં પાણી સંપૂર્ણ રીતે ઓસરી જશે. ઉકાઈ ડેમમાં પાણીની આવક ઘટી છે અને તાપી નદીમાં પાણી પણ આશરે 60 ક્યુસેક જેટલું ઓછું છોડાઈ રહ્યું છે. જ્યાં ઉપરવાસ અને જિલ્લામાં પણ વરસાદ ઘટતા ખાડીપુરના પાણી ઉતરવાના શરૂ થયા છે.
ગત રોજ ઉકાઈ ડેમમાંથી છોડવામાં આવેલા પાણી અને બારડોલી સહિત અન્ય જિલ્લામાં 147 મિલી મીટર જેટલો વરસાદ પડ્યો હતો. જેના કારણે ખાડીનું લેવલ ઘટ્યું નહોતું. મંગળવારે ખાડીનું લેવલ ફરી 8.15 મીટર પહોંચતા હવે અસરગ્રસ્ત વિસ્તારોમાંથી પાણીના નિકાલ અંગેની કામગીરી કરવામાં આવી રહી છે.