ફી નિયમન કાયદા બાદ શાળાની ફી અંગે મનમાની રોકવા માટે FRC કમિટીની રચના કરવામાં આવી હતી. FRC દ્વારા નિર્ધારિત કરવામાં આવેલી ફી બાદ પણ શાળાઓ મનમાની કરી મસમોટી ફી વાલીઓ પાસેથી ઉઘરાવી રહ્યા છે. જેથી વાલીઓમાં ભારે રોષ છે. આ મુદ્દે હવે વાલીઓ લડી લેવાના મૂડમાં છે. સુરતથી વાલીઓએ આંદોલન પણ શરૂ કરી દીધું છે.
આ આંદોલનને વ્યાપક રૂપ આપવા અને ગુજરાત ભરમાંથી વાલીઓ જોડાય એવા માટે ઓનલાઈન ફોર્મ કાઢવામાં આવ્યું છે. આ ફોર્મમાં શાળા સહિત, ફી, વિદ્યાર્થીઓની આખી જાણકારી હશે. સ્પષ્ટ લખવામાં આવશે કે, તેઓએ શાળા દ્વારા નિર્ધારિત મોટી ફી આપવા તૈયાર નથી. સુરતમાં ફી ઘટાડાને નિષ્ફળ રહેલા FRC કમિટી સામે વાલીઓ રોષે ભરાયા છે. શિક્ષણના વેપારને જડમૂળથી ઉખેડી ફેંકવા માટે વાલીઓએ હાંકલ કરી છે. હાલ આ આંદોલન ઓનલાઈન પ્રક્રિયાના માધ્યમથી ગુજરાતના 5000થી વધુ વાલીઓ જોડાઈ ગયા છે.