અમદાવાદ: શનિવારે એટલે કે આજે પણ વરસાદ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે. આ આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા જણાવ્યા અનુસાર વડોદરા, દાહોદ, પંચમહાલ, બનાસકાંઠા, સાબરકાંઠામાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદની શક્યતા છે. જોકે શહેરી વિસ્તારોમાં પણ મેઘરાજા વરસી શકે છે.
દક્ષિણ ગુજરાતમાં વરસાદ: આ દરમિયાન ગઈકાલે પણ દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. ડાંગના અમુક ગામડાઓમાં વરસાદ વરસ્યો હતો. સાપુતારા અને વઘઈમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદથી ખેડૂતો આનંદમાં આવી ગયા છે. હવામાન વિભાગની વેબસાઈટ અનુસાર સુરતમાં આજે વરસાદ પડી શકે છે. ઉલ્લેખનીય છે કે અમુક વિસ્તારોમાં વરસાદને કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન પણ થયું છે.
ભારે વરસાદથી સામાન્ય જનજીવન ખોરવાયું: પાટણ જિલ્લાના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદ અને નર્મદાની નહેર દ્વારા જોડાયેલા પાણીના કારણે સાંતલપુર અને રાધનપુર તાલુકામાંથી પસાર થતી બનાસ નદી બે કાંઠે વહેતી થઈ છે. નદી ઉપર છેલ્લા છ વર્ષથી નિર્માણાધીન પુલનું કામ પૂર્ણ થયું નથી. આથી નદીમાં અપાયેલા ડાઈવર્ઝન પાણીમાં ગરકાવ થતા આજુબાજુના આઠ જેટલા ગામના લોકો છેલ્લાં છ દિવસથી સંપર્ક વિહોણા બન્યા છે.
સુરતમાં વરસાદ: ગઈકાલે હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ઓલપાડ તાલુકાના કીમ ગામે પણ આજરોજ બપોરે કાળા ડિબાંગ વાદળો વચ્ચે ભારે વરસાદ વરસ્યો હતો. જેના કારણે કીમ ગામમાં રેલવે ઓવરબ્રિજના સર્વિસ રોડ પર પાણી ફરી વળ્યા હતા. જેને પગલે વિદ્યાર્થીઓ, રાહદારીઓ અને સ્થાનિક વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. સર્વિસ રોડ પર ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં ઘણા વાહનો રસ્તામાં જ બંધ થઈ ગયા હતા. જેને લઈને ટ્રાફિક પણ સર્જાયો હતો.