સુરત : છેલ્લા 24 કલાકથી દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં મેઘરાજાની મહેર જોવા મળી રહી છે. દક્ષિણ ગુજરાત સહિત અન્ય રાજ્યના અન્ય વિસ્તારોમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ખાસ કરીને 28મી તારીખથી નવસારી, વલસાડ, સુરત, તાપી અને ડાંગમાં ભારે વરસાદની આગાહી છે. જેના પગલે તંત્ર પણ એલર્ટ થયું છે.
મેયર મેદાનમાં ઉતર્યા : સુરત શહેરમાં પણ છેલ્લા 24 કલાકથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકી પડી રહી છે. ખાસ કરીને જ્યાં પણ મેટ્રોની કામગીરી ચાલી રહી છે ત્યાં પાણી ભરાઈ જવાની ફરિયાદ છે. જેના કારણે મેયર હેમાલી બોગાવાલાએ અધિકારીઓ સાથે તે સ્થળની મુલાકાત પણ કરી હતી. તમામ અધિકારીઓ અને કર્મચારીઓને પાણીનો વહેલી તકે નિકાલ કરવા સૂચના આપવામાં આવી છે.
વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. જેની જાણકારી મળતા જ હું પોતે વિઝીટ પર ગઈ હતી. ખાસ સેન્ટ્રલ ઝોન ખાતે આવેલા ગાંધીવાદથી સ્વામી વિવેકાનંદ સર્કલ સુધી પાણી ભરાયું છે. અધિકારીઓને જાણ કરી છે કે, તાત્કાલિક પાણીના નિકાલ માટેની કામગીરી શરૂ કરવામાં આવે. યોગ્ય રીતે પ્રી-મોન્સૂન કામગીરી કરવામાં આવી છે. તેમ છતાં ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા છે. તાત્કાલિક સમસ્યા દૂર કરવા માટેની સૂચના આપવામાં આવી છે.-- હેમાલી બોગાવાળા (મેયર, સુરત શહેર)
કરોડોની કામગીરી પર પાણી : કામરેજના ખોલવડ ગામે ધોધમાર વરસાદ વરસ્યો છે. રસ્તાઓ પર પાણી ભરાઈ જતા વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી હતી. ખોલવડ ગામે આવેલ દિનબંધુ હોસ્પિટલ પાસે પસાર થતાં રસ્તા પર પાણી ભરાઈ ગયું હતું. હોસ્પિટલમાં આવતા દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. બીજી બાજુ કામરેજ ચારરસ્તા પાસે પસાર થતા સર્વિસ રોડ પર પાણી ભરાયા છે. ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં વાહન ચાલકોને હાલાકી થઈ છે. કરોડોના ખર્ચે તંત્રએ વરસાદી પાણીના નિકાલ માટે ડ્રેનેજ લાઈન નાખી છે. ત્યારે કામગીરીમાં વેઠ ઉતારી હોવાના સ્થાનિકોના આક્ષેપો છે.
મેઘરાજાની બેટીંગ : ગુજરાતના કુલ 126 તાલુકાઓમાં 24 કલાકમાં ભારે વરસાદ નોંધાયો છે. જેમાં સુરત જિલ્લાના બારડોલી તાલુકામાં સૌથી વધુ છ ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે સુરત જિલ્લાના મહુવામાં પાંચ ઇંચ અને તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં સાડા પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. અનેક જગ્યાએ ભારે વરસાદના કારણે ટ્રાફિકજામની પણ સમસ્યા સર્જાઈ હતી. છેલ્લા 24 કલાકથી સુરત શહેર- જિલ્લા સહિત નવસારી, તાપી, વલસાડ, ડાંગમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. અનેક સ્થળે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પણ નોંધાયો છે.
NDRF ટીમ સ્ટેન્ડ બાય : ભારે વરસાદની આગાહી વચ્ચે ખાસ વલસાડ અને નવસારીમાં કોઈપણ પ્રકારની સ્થિતિને પહોંચી વળવા માટે SDRF અને NDRF ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. હાલની પરિસ્થિતિમાં તમામ અધિકારીઓ અને કર્મચારીઓની રજા પણ રદ કરવામાં આવી છે. આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદની આગાહીના પગલે ફાયર વિભાગ પણ એલર્ટ મોડ પર છે.
વરસાદી આંકડા : છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના અનેક સ્થળોએ પડેલા વરસાદના આંકડા તંત્રએ જાહેર કર્યા છે. તે મુજબ સુરત જિલ્લાના બારડોલી તાલુકામાં સાડા છ ઇંચ અને તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં સાડા પાંચ ઇંચ વરસાદ ખાબક્યો છે. સુરત શહેર, વલસાડ પારડી, વ્યારા, ખેરગામ ધરમપુરમાં સાડા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે નવસારીમાં પાંચ ઇંચ અને ગણદેવીમાં સાડા ચાર ઇંચ વરસાદ નોંધાયો છે.