બારડોલી: બારડોલી શહેર સહિત તાલુકામાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. બારડોલીના રાયમ નજીક મુખ્ય માર્ગ પાણી ફરી વળતાં બારડોલીથી કડોદ અને માંડવીના વાહન વ્યવહારને અસર થઈ હતી. આદિજાતિ રાજ્યમંત્રી કુંવરજી હળપતિએ સ્થાનિક અધિકારીઓને સૂચના આપી પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.
વાહન વ્યવહારને ભારે અસર: બે દિવસથી બારડોલી સહિત સમગ્ર સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ઠેર ઠેર પાણી ભરાય જવાથી વાહન વ્યવહારને ભારે અસર થઈ હતી. ખાસ કરીને બારડોલી-માંડવી રાજ્ય ધોરી માર્ગ સૌથી વધુ પ્રભાવિત થયો હતો. બારડોલીના રાયમ નજીક મુખ્ય માર્ગ પાણી ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાયો હતો. દર વર્ષની જેમ આ માર્ગ પર આ વર્ષે પણ પાણી ભરાય જતાં લોકોને ભારે હાલાકી વેઠવી પડી હતી.
" વધુ વરસાદને કારણે તાલુકામાં અનેક જગ્યાએ પાણી ભરાયા છે. જેને કારણે કેટલાક રસ્તા બંધ કરવાની ફરજ પડી છે. જો કે વરસાદ બંધ થતા હવે સ્થિતિ પૂર્વવત થઈ ગઈ છે. વરાડમાં પાણી ભરાય જતા શાળાના વિદ્યાર્થીઓને રજા આપવામાં આવી હતી." - જનમ ઠાકોર, બારડોલીના ઇન્ચાર્જ પ્રાંત અધિકારી
હંગામી પુલ ધોવાયો: બારડોલી તાલુકાનાં ઉતારા વધાવાને જોડતા ચીકખાડી પર બનાવવામાં આવેલ હંગામી પુલ પાણીમાં ધોવાઇ ગયો હતો. હાલ અહીં પુલ બનાવવાની કામગીરી ચાલી રહી હોય લોકોની અવરજવર માટે આ હંગામી પુલ બનાવવામાં આવ્યો હતો. જે પહેલા વરસાદમાં જ ધોવાઈ જતાં ગ્રામજનોને આખું ચોમાસું હાલાકી વેઠવાનો વારો આવશે. ગ્રામજનોને અવરજવર માટે કાયમી મોટી મુશ્કેલી ઊભી થઈ છે. હવે ગ્રામજનોએ 10 કિમી લાંબો ચકરાવો લગાવીને તાલુકા મથક બારડોલી સુધી પહોંચવું પડશે. હાલ તંત્ર દ્વારા બેરીકેટ્સ મૂકીને રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે.
પાણી ભરાઈ જતા શાળામાં રજા: પાણી ભરાઈ જતાં રાયમ નજીકમાં આવેલ વરાડ હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી હતી. આ ઉપરાંત ગામમાં આવેલ ભાથીજીના મંદિર નજીક તેમજ નવા હળપતિ વાસ ફળિયામાં પાણી ભરાઈ ગયા હતા. આથી પ્રાથમિક શાળાના બાળકોને પણ રજા આપી દેવાય હતી. પ્રાંત અધિકારી, મામલતદાર સહિતના અધિકારીઓને પણ સ્થળ નિરીક્ષણ કરવા સૂચના આપી દેવાય હતી.