સુરતના ડુમસ મગદલ્લા રોડ પર સ્થિત લક્ઝરીયા બિલ્ડીંગના છઠ્ઠા માળે 605 નંબરમાં ટેલેન્ટ એરા નામની ખાનગી કંપનીની ઓફીસ આવેલી છે. જ્યાં લોકોને વિવિધ સંસ્થાઓમાં એડમિશન અપાવાની જાહેરાત કરાતી હતી. જે જાહેરાત જોઈ રાજસ્થાન પરિવારે પોતાની દીકરીને MBBSમાં એડમિશન અપાવવા ટેલેન્ટ એરા નામની કંપનીનો ટેલિફોનિક સંપર્ક સાધ્યો હતો. કંપનીના બે સંચાલકો દ્વારા કર્ણાટકની વેહદી મેડિકલ ઇન્સ્ટિટ્યૂટમાં MBBSમાં એડમિશન અપાવાની ખાતરી આપી હતી. જે બાદ ટુકડે-ટુકડે રૂપિયા 30 લાખ જેટલી જંગી રકમ ફરિયાદી પાસેથી પડાવી લીધી હતી.
લાખો રૂપિયા આપ્યાના એક મહિના બાદ પણ એડમિશન નહી મળતા પોતે છેતરપિંડીનો ભોગ બન્યાનો હોવાનો અહેસાસ ફરિયાદીને થયો હતો. જેથી તેમને રૂપિયા પરત માંગતા લે-ભાગુ કંપનીના સંચાલકોએ તેમને ચેક આપ્યા હતા. પરંતુ ખાતામાં પૂરતા પૈસા ન હોવાના કારણે ચેક બાઉન્સ થયા હતા. અવારનવાર ઉઘરાણી કરવા છતાં ફરિયાદીને પોતાના રૂપિયા લે-ભાગુ કંપનીએ ચૂકવ્યા ન હતા. પોતાના પૈસા પરત મેળવવા ફરિયાદીએ ઉમરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. ઉમરા પોલીસે ઘટના સ્થળે તપાસ કરતા ઓફીસ પર તાળું મારેલું હતું. કંપનીના સંચાલકો કંપનીને તાળા મારી રાતોરાત છુમંતર થઈ ગયા હતા.
સુરતમાં પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં નોકરી અને એડમિશન અપાવવાના નામે ઠગાઈ થવાનો આ પહેલો કિસ્સો નથી. પરંતુ સુરત શહેરમાં સમયાંતરે આવા બનાવો બનતા રહે છે. ત્યારે આવા ગુનાઓને ડામવા પોલીસ માટે પણ એક પડકારનો વિષય બની છે. ટેલેન્ટ એરા નામની ખાનગી કંપનીના સંચાલકોએ આ રીતે કેટલા લોકોને પોતાની લોભામણી વાતોમાં ફસાવી રૂપિયા પડાવ્યા છે. તે પોલીસ માટે સૌથી મોટો તપાસનો વિષય બની રહે છે. હવે જોવાનું એ રહેશે કે, પોલીસ આ ટોળકીને ઝડપી જેલના સળિયા પાછળ ધકેલશે કે કેમ તે તો આવનારો સમય જ બતાવશે.