સુરતઃ ડિંડોલી વિસ્તારમાં પ્રેમી પંખીડાઓએ નાસીપાસ થતા આપઘાત કર્યો હતો. જીવનનો અંત આણી લેતા બંને પરિવારો પર આભ તૂટી પડ્યું હતુ. ખૂબ જ ગરીબ અને મધ્યમ વર્ગના કુટુંબમાંથી આવતા આ બંને પ્રેમી પંખીડાઓ વચ્ચે પ્રેમ સંબંધ હતો. જ્યાં પ્રેમ સંબંધમાં નાસીપાસ થતા બંને ડિંડોલીના એકલેરા ગામડામાં આવેલા ચીકુવાડીમાં જઈ આપઘાત કરી લીધો હતો. આ ઘટના અંગે ડીંડોલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ડિંડોલીના સનીયા ગામથી ઈકલેરા ગામ તરફ આવેલા ચીકુવાડીમાં બે પ્રેમી- પંખીડાઓની ઝાડ પર લટકતી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની જાણકારી મળતા ડિંડોલી પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સુરત સ્મીમેર હોસ્પિટલ ખસેડી આગળની તપાસ હાથ ધરી હતી.
ડિંડોલી પોલીસના જણાવ્યા અનુસાર ડિંડોલીના સનીયા ગામમાં રહેતો 19 વર્ષીય તેજસભાઈ રાઠોડ અને સચિન પોલીસ મથકની હદમાં રહેતી 15 વર્ષની સગીર વયની કિશોરી વચ્ચે પ્રેમ સંબંધ હતો. બંને પ્રેમી-પંખીડાઓ એક દિવસ પૂર્વે પોત-પોતાના ઘરેથી બપોરના સમય દરમિયાન નીકળ્યા હતા. જે બાદ બીજા દિવસે સાંજના સમયે બંન્નેનો લટકતી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જેની જાણ સ્થાનિક લોકો દ્વારા પોલીસને કરવામાં આવી હતી.
આ અંગે ડિંડોલી પોલીસ મથકના PI એચ.એમ.ચૌહાણે જણાવ્યું હતું કે, કિશોરીની ઉંમર 15 વર્ષની હતી અને તે સચિન વિસ્તારમાં રહેતી હતી અને તેનો પ્રેમી તેજસ સનીયા ગામનો જ રહેવાસી હતો. બંન્ને પ્રેમમાં નાસીપાસ થઈ જવાના કારણે આ પગલું ભર્યું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે. જોકે, બન્નેના પ્રેમ સંબંધ અંગે પરિવારજનો અજાણ હોવાનું તપાસમાં જાણવા મળ્યું હતુ.
પ્રેમી-પંખીડાના આપઘાતના પગલે બંને પરિવારોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. આ અંગે મૃતક યુવકના પિતા સુરેશ રાઠોડે જણાવ્યું હતું કે, મંગળવારના રોજ તેજસ પોતાની માતા પાસેથી 50 રૂપિયા લઈ ફરવા જવાનું કહી નીકળ્યો હતો. બાદમાં બુધવારના રોજ પુત્રના મોતના સમાચાર મળ્યા હતા. તેના મિત્રો પાસેથી જાણવા મળ્યું હતું કે, કોઈક યુવતી સાથે તેનો પ્રેમ સંબંધ ચાલી રહ્યો છે. તેના પરિવારને આ વિશેની જાણ ન હતી.
હાલ તો ડિંડોલી પોલીસે આપઘાતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ સાથે જ બન્નેના પરિવારજનોના નિવેદન નોંધવાની પણ તજવીજ હાથ ધરી છે.