પોલીસની પ્રાથમિક તપાસમાં સિવિલ હોસ્પિટલના CCTV કેમેરામાં બાળકીનું અપહરણ કરનાર મહિલા કેદ થઈ હતી. જ્યાં બાળકીને લઈ ફરાર મહિલાને ઝડપી પાડવા સ્થાનિક પોલીસની સાથે સુરત ક્રાઈમ બ્રાન્ચ, PCB તેમજ SOGની ટીમ કામે લાગી હતી. એક ઓટો રીક્ષા ચાલકની સમય સૂચકતાના પગલે આખરે પોલીસ બાળકીનું અપહરણ કરનાર મહિલા સુધી પહોંચી શકી હતી. 100 કલાકની ભારે જહેમત બાદ મહિલા સહિત તેના પતિને ઝડપી પાડી માસુમ બાળકીને પરિવારજનોને સુપ્રત કરવામાં પોલીસને મોટી સફળતા હાથ લાગી હતી.
જ્યારે બાળકીનું અપહરણ કરી લઈ જનાર પૂજા ઉર્ફે રીના પાટીલ અને તેના પતિ દિપક પાટીલની પોલીસ દ્વારા પુછપરછ કરવામાં આવી. ત્યારે મહિલાની હકીકત સાંભળી પોલીસ ચોંકી ઉઠી હતી. પૂજા ઉર્ફે રીનાએ પોલીસને જણાવ્યું કે, તેણીના આ બીજા લગ્ન છે. બે વર્ષ અગાઉ જ તેણીને બાળક ન થતા સાસરિયા દ્વારા છૂટાછેડા આપી દેવામાં આવ્યા હતા. જ્યાં બીજા લગ્ન બાદ પણ બાળક ન થતા આખરે પોતે સુરત સિવિલ હોસ્પિટલમાંથી બાળકીનું અપહરણ કર્યું હતું. જે બાબતની જાણ પતિ દિપકને પણ હતી.
મહિલા આરોપી અને તેનો પતિ ભલે એમ કહેતો હોય કે, નિઃસંતાનપણું હોવાથી બાળકીનું અપહરણ કર્યું, પરંતુ પોલીસ આ મામલે બંનેની ઊંડાણપૂર્વકની પુછપરછ ચલાવી રહી છે. કારણ કે અગાઉ પણ સુરત સિવિલ હોસ્પિટલમાં આ પ્રકારની ગંભીર ઘટના બની ચૂકી છે. ત્યાં બીજી તરફ મહિલાના આ નિવેદન પરથી એક વાત એ પણ કહેવી જરૂરી બને છે કે, બાળક વિના માતાની ખોળ હંમેશા ખોટ વર્તે છે. જ્યાં આ ઘટનામાં પણ ક્યાંક આવું જ કંઈક જોવા મળ્યું છે. જો કે ઘટનામાં તથ્ય કેટલું રહેલું છે તે પોલીસ તપાસ પર નિર્ભર કરે છે.