સુરત : રાજ્યમાં અગાઉ રદ થયેલી જુનિયર ક્લાર્કની પરીક્ષા આગામી 9 એપ્રિલના રોજ યોજવા જઈ રહી છે. ત્યારે પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં મુશ્કેલી ન થાય તે માટે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા વિવિધ રૂટ પર વધારાની બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે વડોદરા અને સુરત એસટી વિભાગે પરીક્ષાર્થીઓના રૂટ વધુ બસ દોડાવવાનું આયોજન કર્યું છે. પરીક્ષામાં સમયસર પરીક્ષાર્થીઓ પહોંચી શકે અને તેમને કોઈ હાલાકી ન થાય આ માટે આ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. સુરત એસટી વિભાગ દ્વારા બે દિવસમાં 150 બસ અને વડોદરા એસટી વિભાગ દ્વારા 100 એક્સ્ટ્રા બસ દોડાવવાનો કાર્યક્રમ કર્યો છે.
પરીક્ષાર્થીઓ માટે ખાસ વ્યવસ્થા : પેપર લીક કાંડ બાદ પરીક્ષાર્થીઓમાં સરકારી નોકરી માટે પરીક્ષાને લઈ ચિંતા જોવા મળે છે. બીજી બાજુ પોતાના સેન્ટર સુધી પહોંચવા માટે પણ ખાસી મુશ્કેલીઓ થતી હોય છે. ત્યારે 9 એપ્રિલના રોજ જ્યારે રાજ્યભરમાં ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવામાં આવશે. જેમાં પરીક્ષાર્થીઓને કોઈપણ પ્રકારની હાલાકી ન થાય અને પૂરતી વ્યવસ્થા મળી રહે આ માટે એસટી વિભાગ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. એટલું જ નહીં વિદ્યાર્થીઓ અગાઉથી જ ઓનલાઇન બસમાં બુકિંગ કરાવી શકે છે. આ માટે પણ ખાસ વ્યવસ્થા એસટી વિભાગ દ્વારા કરવામાં આવી છે.
આ પણ વાંચો : GPSSB Junior Clerk Exam: 9 એપ્રિલે જુનિયર ક્લાર્કની પરીક્ષા, ઉમેદવારોને સમયસર કેન્દ્ર સુધી પહોંચાડવા ખાસ વ્યવસ્થા
સુરત એસટી વિભાગ : એસટી વિભાગ દ્વારા સુરત અને તાપી જિલ્લામાં પરીક્ષાર્થીઓ માટે એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે. એસ.ટી વિભાગ સુરત નિયામક પી.વી. ગુજ્જરે જણાવ્યું હતું કે, પરીક્ષાર્થીઓ માટે પૂરતી વ્યવસ્થા કરવા માટે સુરત એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે. બે દિવસ 8 અને 9 એપ્રિલના રોજ સુરતથી 150 બસ એક્સ્ટ્રા દોડાવવામાં આવનાર છે. લોંગ રૂટ પર જો પરીક્ષા કેન્દ્ર હોય તો વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન થાય આ માટે બે દિવસ એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે.
બે દિવસ આ સુવિધા : સાથે તેઓએ જણાવ્યું હતું કે, પરીક્ષાર્થીઓ અગાઉથી જ ઓનલાઇન બુકિંગ પણ કરાવી શકે છે. સુરત તાપી સિવાય આ બસો નવસારી, ડાંગ, છોટાઉદેપુર, ભરૂચ અને અમદાવાદ સહિતના રૂટ પર દોડશે. દક્ષિણ ગુજરાતના વિદ્યાર્થીઓ સહેલાઈથી પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી રહ્યા આ માટે બે દિવસ આ સુવિધા તેમની માટે કરવામાં આવી છે. તમામ પૂર્તિ વ્યવસ્થા એસટી વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. જુનિયર ક્લાર્કની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવા માટે કોઈ હાલાકી ન થાય તેની તકેદારી પણ લેવામાં આવી રહી છે.
આ પણ વાંચો : Dummy Student : પરીક્ષામાં છબકડું ફેલ, યુવતીની જગ્યાએ પરીક્ષા આપવા આવેલા યુવકને માસ્તરે કલાસમાંથી પકડી લીધો
વડોદરા એસટી વિભાગ : આ અંગે માહિતી વડોદરાના નિયામક સંજય જોષીએ જણાવ્યું હતું કે, આવનાર 9 તારીખના રોજ જુનિયર ક્લાર્કની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. અંદાજીત ગત પરીક્ષામાં 30 હજાર ઉપરાંતના પરિક્ષાર્થીઓ પરીક્ષા આપવા માટે આવ્યા હતા. જેના પરિપેક્ષમાં વડોદરા સીબીએસથી સાથે છોટાઉદેપુર અને તમામ વિભાગના ડેપો પરથી બસોનું આયોજન કરવામાં આવ્યું છે. મોટા ભાગના પરિક્ષાર્થીઓ સુરત અને અમદાવાદ તરફથી આવતા હોય છે. 427 જેટલી બસો સુરત તરફ જાય છે. આ સાથે અમદાવાદ તરફ પણ 400થી વધુ રોજબરોજ જાય છે. વધારાની બુસોની વાત કરવામાં આવે તો નવસારી તરફ 95, દાહોદ 72 ,ખેડા તરફ 23 અને વ્યારા તરફ 36 ગાડીઓનું આયોજન કરેલું છે.
જરૂરિયાત પ્રમાણે ગમે ત્યાં બસ દોડશે : હાલમાં 1000 હજાર જેટલી બસોનું આયોજન તો હોય છે. પરંતુ વધારાની 100 જેટલી બસનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં જરૂરિયાત હશે ત્યાં વધારાની બસ દોડાવવામાં આવશે. ખેડા, દાહોદ, સુરત, અમદાવાદ, પંચમહાલ રૂટ પર વધુ આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં 50 પરિક્ષાર્થી ગમે ત્યાં જવા માંગતા હોય તો તેની વ્યવસ્થા અલગથી કરવામાં આવશે. હાલમાં એડવાન્સ બુકિંગ શરૂ કરવામાં આવ્યું છે. જે કોઈ વિદ્યાર્થીઓને એડવાન્સ બુકિંગ કરાવવું હોય તો કરવી શકે છે. જેથી અંતિમ સમયમાં ભાગદોડથી બચી શકાય છે.