- ટેક્સટાઈલમાં બિહાર, ઝારખંડ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના શ્રમિકો લાખોની સંખ્યામાં કાર્યરત
- ટેક્સટાઈલ ઉદ્યોગમાં કામ કરતા લોકોને સુપર સ્પ્રેડરની શ્રેણીમાં ગણાવ્યા
- અઠવાડિયામાં એક વખત શ્રમિકોને કોરોના ટેસ્ટિંગ કરીને જ માર્કેટમાં પ્રવેશ અપાય
સુરત : ટેક્સટાઈલ ઉદ્યોગમાં બિહાર, ઝારખંડ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના શ્રમિકો લાખોની સંખ્યામાં કાર્યરત છે. અત્યારે જે રીતે સુરતમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે તે રીતે સુરત મહાનગરપાલિકાએ ટેક્સટાઈલ ઉદ્યોગમાં કામ કરતા લોકોને સુપર સ્પ્રેડરની શ્રેણીમાં ગણાવ્યા છે. તેના કારણે માર્કેટ વિસ્તાર અને ટેક્સટાઈલ ઉદ્યોગમાં કામ કરતા શ્રમિકોને કોરોના ટેસ્ટિંગ ફરજિયાત કરવામાં આવ્યું છે. અઠવાડિયામાં એક વખત શ્રમિકોને કોરોના ટેસ્ટિંગ કરીને જ માર્કેટમાં પ્રવેશ આપવામાં આવતો હોય છે.
કોરોના ટેસ્ટિંગને લઇ હેરાનગતિ કરવામાં આવે
જે રીતે કોરોના સંક્રમણ વધી રહ્યું છે તેના કારણે લોકડાઉનનો ભય જોવા મળી રહ્યો છે. આ બન્ને કારણોસર અત્યારે સુરતમાં ઝારખંડના શ્રમિકો પલાયન કરવા પર મજબૂર થઈ ગયા છે. સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં ખાસ ઝારખંડના શ્રમિકો બસમાં બુકિંગ કરી પોતાના વતન જઈ રહ્યા છે.શ્રમિકોએ જણાવ્યું હતું કે, તેમને કોરોનાનો ભય નથી. તેમને માત્ર લોકડાઉન અને અવારનવાર જે રીતે કોરોના ટેસ્ટિંગને લઇ હેરાનગતિ કરવામાં આવે છે, તેના કારણે તેઓ પોતાના વતન જઈ રહ્યા છે.
આ પણ વાંચો : સુરત ટેક્સટાઈલ માર્કેટમાં કોરોના ટેસ્ટિંગમાં વધારો
ઝારખંડના લોકો બસ રિઝર્વ કરીને પોતાના વતન જઈ રહ્યા
ટેક્સટાઇલ માર્કેટમાં કામ કરનાર શ્રમિક લૂંટન માધવે જણાવ્યું હતું કે, હું ઝારખંડનો રહેવાસી છું. દરરોજે માર્કેટ જઈએ છીએ અને હેરાનગતિ થતી હોય છે. કોરોના ટેસ્ટિંગનો રિપોર્ટ ફરજિયાત કરવામાં આવ્યો છે. જો રિપોર્ટ હોય તો જ માર્કેટમાં એન્ટ્રી આપવામાં આવે છે. અઠવાડિયામાં એક દિવસ રિપોર્ટ કાઢીને જવું પડે છે. સુરતમાં રહેતા ઝારખંડના લોકો બસ રિઝર્વ કરીને પોતાના વતન જઈ રહ્યા છે. અત્યારે જે હેરાનગતિ છે તેના કારણે લાગે છે કે, લોકડાઉન લાગી શકે છેે. તેથી અગાઉથી જ વતન ચાલ્યા જઇયે તો સારું રહેશે. કોરોનાથી ભય નથી લાગતો પરંતુ આ જે તમામ ટેસ્ટિંગ કરવામાં આવતું આવતું હોય છે. તેના કારણે અમે હેરાન થતાં હોઇએ છીએ. આખો દિવસ આમાં નીકળી જાય છે અમે કામ પર પણ સમયસર જઈ શકતા નથી.
આ પણ વાંચો : સુરતમાં સૌથી વધુ કોરોનાના કેસ ટેક્સટાઈલ માર્કેટમાં નોંધાયા
માર્કેટમાં સમય 10થી 7 કરી દેવામાં આવ્યો
ચંદન કુમાર રાય ટેકસટાઇલમાં નોકરી કરે છે. તેમને જણાવ્યું હતું કે, કોરોનાનો ભય નથી ભૂખમરાનો ભય છે. જો લોકડાઉન આવી જશે તો પૈસા ક્યાંથી આવશે. એક તો કામ સારી રીતે થઈ રહ્યું નથી. માર્કેટમાં સમય પણ 10થી 7 કરી દેવામાં આવ્યો છે. અઠવાડિયામાં ચાર વખત કોરોના ટેસ્ટિંગ થાય છે અને માલિક પણ પગાર બરોબર આપતો નથી. જો લોકડાઉન લાગી જશે તો કોઈ જોવાવાળું નથી. ગયા વખતે પણ પગારની સમસ્યા થઈ હતી. પરિવારના લોકો પણ કહે છે કે, ગામડે આવી જાઓ. અહીં જે પણ રહેશે તે જોઇ લેઇશું. ત્યાં રહેવાની જરૂર નથી. પગાર મળે કે નહિ મકાનમાલિક ભાડું માંગે છે. તેઓ એક રૂપિયા નથી છોડતા. ગામડામાં પણ કોરોના છે પરંતુ ત્યાં જઈને અમે શાંતિથી રહીશું.
પોલીસવાળા સાત વાગી જાય તો દંડા મારવા આવી જાય
શ્રમિક અમિતકુમાર રામે જણાવ્યું હતું કે, અમને લોકડાઉનના ભયથી જઈ રહ્યા છીએ. માલિક દ્વારા પગાર ઓછો કરી દેવામાં આવ્યો છે. કામનો સમય ઓછું કરી દેવાથી પગાર પણ મળી રહ્યો નથી. પોલીસવાળા સાત વાગી જાય તો દંડા મારવા આવી જતા હોય છે. આ માટે ભયથી ગામડે જઈ રહ્યા છે.