- અલગ અલગ સંસ્થાઓના મળ્યો સહયોગ
- તમામ સુવિધા વિનામૂલ્યે ઉપલબ્ધ
- વિસ્તારના કોરોના દર્દીઓ માટે આશીર્વાદરૂપ
બારડોલી: રોટરી ક્લબ બારડોલી, ધી વરાડ સાર્વજનિક હાઈસ્કૂલ, ધી વરાડ હાઈસ્કૂલ મંડળ-અમેરિકા દ્વારા ધી વરાડ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે આઈશોલેશન સેન્ટરની સોમવારના રોજ શરૂઆત કરવામાં આવી હતી. જે દર્દીઓને ઘરે આઇસોલેટ થવાની સુવિધા ન હોય તેવા દર્દીઓ માટે આ સેન્ટર આશીર્વાદરૂપ પુરવાર થશે. અહીં દાખલ થનારા દરેક દર્દીઓને વિનામૂલ્યે ભોજન, દવા, સારવાર, યોગ અને વાંચનની સુવિધા મળી રહેશે.
કઈ કઈ સંસ્થાઓએ આપ્યો સહયોગ
જરૂરિયાત ધરાવતા દર્દીઓને આ આઇસોલેશન સેન્ટરનો લાભ લેવા માટે અપીલ કરવામાં આવી છે. આ કોવિડ સેન્ટર શરૂ કરવા માટે ટાઈની સ્માઇલિંગ ફેસીસ-અમેરિકા, ઓમ સુરવયમ ટ્રસ્ટ-બારડોલી, રોટરેક્ટ કલબ-બારડોલી, શ્રી સાઈ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ - નવસારી તથા શ્રી સત્યા સાઈ સેવા સમિતિ બારડોલી તેમજ અન્ય સંસ્થાઓનો સહકાર મળ્યો છે.
સ્થાનિક PHCનો સ્ટાફ આપશે સેવા
સેન્ટરના ઉદ્ઘાટન પ્રસંગે કોવિડ ગાઈડલાઈનનું સંપૂર્ણ પાલન કરવામાં આવ્યું હતું. સેન્ટરમાં હાલ 30 બેડ ઉપલબ્ધ છે. દર્દીઓને સ્થાનિક વરાડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબો અને નર્સિંગ સ્ટાફ સેવા આપશે. ઉદ્ઘાટન પ્રસંગે ગામના અગ્રણી કિરીટભાઈ પટેલ, શાળાના પ્રમુખ ગિરીશભાઈ પટેલ, માજી જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ અધ્યક્ષ કિશોર માહ્યાવંશી, તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. હેતલ ચૌધરી સહિતના અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા.
કોરોના સંક્રમિત દર્દીઓને લાભ લેવા અપીલ
રોટરી ક્લબ અને અન્ય સંસ્થાઓના સહયોગથી આ કોવિડ સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં ભોજન, દવા, યોગ, વાંચન સહિતની તમામ સુવિધા વિનામૂલ્યે પુરી પાડવામાં આવશે. કોરોના સંક્રમિત દર્દીઓ જે આઇસોલેટ થવા માંગે છે તેમને આ સેન્ટરનો લાભ લેવા માટે બારડોલી રોટરી ક્લબના પ્રમુખે અપીલ કરી હતી.