સુરતઃ ગુજરાતમાં કુપોષણ દૂર કરવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. ગુજરાત સરકારના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના માર્ગદર્શન હેઠળ હાલમાં ગુજરાત પોષણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, ત્યારે સુરત મનપા પાસે શહેરના કુપોષિત બાળકોના આંકડાની આર.ટી.આઈ. માગવામાં આવી હતી, અંતર્ગત વર્ષ 2018-19માં સુરત શહેરમાં અતિકુપોષિત બાળકોની સંખ્યા 1,484 હતી. વર્ષ 2019-20માં સુરત શહેરમાં અતિકુપોષિત બાળકોની સંખ્યામાં 1,600નો વધારો થઈને આંકડો સીધો 3,084ને પાર કરી ગયો છે.
ગત વર્ષે લિંબાયત વિસ્તારમાં અતિકુપોષિક બાળકોની સંખ્યાનો આંકડો 556 હતા, જે આ વર્ષે 1,157 પર પહોંચી ગયો છે, જ્યારે વરાછા વિસ્તારમાં અતિકુપોષિત બાળકોની સંખ્યા 110 હતી. જે એક વર્ષમાં વધીને 337 થઈ ગઈ છે. કતારગામ વિસ્તારમાં ગત વર્ષે અતિકુપોષિત બાળક 263 હતા. જે આ વર્ષે 518 થઈ ગયાં છે, જ્યારે રાંદેર ઝોનમાં ગત વર્ષે અતિ કુપોષિત બાળકોની સંખ્યા 116 હતી જે વધીને સીધી 324 પર પહોંચી ગઈ હતી.
સુરત શિક્ષણ સમિતિના કોંગ્રેસના સભ્ય સુરેશ સુહાગિયાએ આર.ટી.આઈ.ના આંકડા સાથે પાલિકા અને સરકાર પર શાબ્દિક પ્રહાર કર્યા હતા, તેઓએ જણાવ્યું હતું કે, ભાજપની સરકાર સંવેદનાહીન હોવાથી સુરતમાં ગત વર્ષની સરખામણીમાં 1,600 જેટલા કુપોષિત બાળકોનો વધારો થયો છે. કુપોષણ નિવારવા માટે જે કરોડો ખર્ચ થાય છે તે ખર્ચ યોગ્ય જગ્યાએ થતો નથી.