સુરતના પાંડેસરા વડોદ ગામે રહેતા અને કલરકામની મજૂરી કરતા 18 વર્ષીય વિનય યાદવની પાંચ દિવસ પહેલા રૂમમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. વિનયને માથાના ભાગે ગંભીર ઈજાઓ હતી. જેના કારણે પોલીસે ફોરેન્સીક પીએમ કરાવ્યું હતું. જેમાં વિનય યાદવની હત્યા થઈ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે ત્યારબાદ તપાસને વેગ આપતા આરોપી સુધી પહોંચી હતી. મૃતક વિનય એકાદ વર્ષ પહેલા સુરતમાં પાંડેસરા વિસ્તારમાં તેના કૌટુંબિકભાઈ શિવપૂજન અને ભાભી રામકુમારી જોડે રહેતા હતો. તે વખતે ભાભી જોડે તેના આડાસંબધો હતા.
મૃતક વિનયે તેની ભાભીને અગાઉના તેની સાથેના સેલ્ફી ફોટો મોબાઇલમાં પાડયા હતા. તેણે તે ફોટો સોશ્યિલ મિડિયા પર મૂકી દેવાની ધમકી આપી ભાભી સાથે સંબંધ બાંધવા દબાણ કરતો હતો. બીજી તરફ મહિલાના પતિને પણ આ બાબતે શંકા ગઈ હતી. જેથી કંટાળી 35 વર્ષીય રામકુમારી શિવપૂજન યાદવે વિજયના રૂમમાં જઈ તેને ગળે ટૂંપો આપી તેનું માથું દિવાલ સાથે ભટકાવી હત્યા કરી હતી.
આરોપી ભાભીએ પોલીસને જણાવ્યું હતું કે, વિનય જો ફોટા તેના પતિને બતાવે તો તે આત્મહત્યા કરી લેશે. વારંવાર વિનયના માનસિક અને શારીરિક ત્રાસથી કંટાળી તેણે દિયર વિનય યાદવની હત્યા કરી નાખી હતી. તે સમયે વિનય દારૂના નશામાં હતો. તેમજ સૂતેલો હતો. મહિલા વિનયની ઉપર બેસી ગઈ અને દુપટ્ટો વિનયના ગળામાં નાખીને તેને દુપટ્ટો આપી બાદમાં તેનું માથું દિવાલ સાથે ભટકાવી દીધું હતું. હત્યા કરી પોતે જાણે કંઈ જાણતી ન હોય તેવી રીતે નાટક કરવા લાગી હતી. જો કે પોલીસે પીએમ રિપોર્ટના આધારે તેનો ભાંડો ગણતરીના કલાકોમાં ફોડી નાખ્યો હતો.