સુરત: શહેરમાં વધુ એક હત્યાના બનાવથી ચકચાર મચી જવા પામી છે. સલાબતપુરા ધામલાવાડ શેરીમાં રહેતા મોહમદ અદનાન મોહમંદ ઐયુબ દલવાડી ઘર પાસે જ મોબાઈલ રીપેરીંગ તથા એસેસરીઝની દુકાન ધરાવે છે. ગતરાત્રીના સમયે મોપેડ પર આવેલા ઈસમોએ તેને છાતીના ભાગે તથા ડાબા હાથની બે આગળી ઉપર ચપ્પુના બે ધા મારવામાં આવ્યા હતા. જાહેરમાં બનેલી આ ઘટનાને લઈને ત્યાં ચકચાર મચી જવા પામી હતી. બીજી તરફ ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જો કે સારવાર મળે તે પહેલા જ યુવકનું મોત નીપજ્યું હતું.
ઘટના સીસીટીવી કેમેરામાં કેદ: હત્યાના આ બનાવને લઈને સલાબતપુરા પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસ તપાસમાં બે દિવસ પહેલા થયેલા ઝઘડાની અદાવતમાં યુવકની હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું. આ સમગ્ર મામલે પોલીસે શેજાન આસીફ મુલતાની અને શેખ મુસેફ શેખ અબ્દુલ રસીદ સામે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. આ ચકચારી બનાવ ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામ્યો છે. જેમાં જોઈ શકાય છે કે આ ઘટનાને લઈને ત્યાં અફરાતફરી મચી જવા પામી હતી.
અદનાન સાથે આરોપી શેજાન આસીફ મુલતાની સાથે બે દિવસ પહેલા થયેલા ઝઘડાની અદાવત રાખી ગત રાત્રીના આશરે પોણા આઠેક વાગ્યાના અરસામાં આરોપીઓ શેજાન આસીફ મુલતાની તથા તેનો મિત્ર શેખ મુસેફ શેખ અબ્દુલ રસીદ મોપેડ ગાડી ઉપર આવી આરોપી શેજાન આસીફ મુલતાનીએ તેની પાસેના ચપ્પુ વડે અદનાન પર હુમલો કર્યો હતો. જેમાં તેનું મોત થયું છે. આ મામલે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે. - સલાબતપુરા પીઆઈ બી.આર.રબારી