- કોરોના મહામારી બાદ પહેલી વખત પોલિયો રસીકરણ
- 0થી5 વર્ષના બાળકોને પોલિયોની રસી પીવડાવવામાં આવી રહી છે
- 1 અને 2 ફેબ્રુઆરીએ ઘર ઘર જઈને પોલિયો પીવડાવશે
સુરત: જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા રવિવાર 31 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆપરી દરમિયાન સમગ્ર જિલ્લામાં એન.આઈ.ડી.માં 0થી 5 વર્ષના તમામ બાળકોને પોલીયોના ટીપા પીવડાવવાનું શરૂ કરવામાં આવ્યું છે. રવિવારના રોજ જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં પોલિયો અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું.
જિલ્લામાં 1,292 બૂથ પર પોલિયો પીડાવવામાં આવી રહ્યો છે
જિલ્લાના 741 ગામોના 1292 પોલીયો બૂથ પરથી 0થી 5 વર્ષના કુલ 2,24,313 બાળકોને પોલીયોનાં ટીપા પીવડાવવામાં આવી રહ્યા છે. પોલીયો કામગીરીની માહિતી આપતા જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.હસમુખ ચૌધરીએ જણાવ્યું હતું કે, 31 જાન્યુઆરીથી પોલીયો બૂથ ઉપર પોલીયોનાં ટીપા પીવડાવવાની કામગીરી કરવામાં આવી છે. આ ઉપરાંત 1 અને 2 ફેબ્રુઆરીના રોજ આરોગ્ય કર્મચારી, આશા વર્કરો,આંગણવાડી કાર્યકરો અને સ્વયં સેવકો દ્વારા ઘરે-ઘરે જઈને 0થી 5 વર્ષના તમામ બાળકોને પોલિયો પીવડાવવામાં આવશે.
પોલિયો રવિવારમાં 5,111 આરોગ્ય કર્મચારીઓ જોડાયા
કોઈ પણ બાળક પોલીયોથી વંચિત ન રહે તે માટે સમગ્ર જિલ્લામાં પોલીયોની કામગીરીમાં કુલ 1,292 પોલીયોના બૂથ ઉપર 552 આરોગ્ય કર્મચારીઓ, 1,428 આશા બહેનો, 118 આશા ફેસેલીટેટર બહેનો, 115 આંગણવાડી કાર્યકર બહેનો, 1,865 સ્વયંસેવકો મળીને કુલ 5,111 કર્મચારીઓ અને 258 સુપરવાઈઝરો જોડાયા છે. જેમના માટે 258 વાહનો ઉપલબ્ધ કરવામાં આવ્યા છે.
બાળકોને પોલિયો પીવડાવવા આરોગ્ય વિભાગની અપીલ
શહેરના અને ગ્રામ્યના નાગરિકોને પોતાના 0થી 5 વર્ષના તમામ બાળકોને પોલીયોના ટીપાં પીવડાવવાની અપીલ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી છે.