સુરતઃ 20 લાખથી વધુ વસ્તી ધરાવતા વરાછા વિસ્તારના વિધાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મળી રહે તેવી માંગણી અને લાગણી સાથે પોસ્ટ-કાર્ડ અભિયાનની રવિવારથી શરૂઆત કરવામાં આવી છે. વિદ્યાર્થીઓના હિતની લડાઈમાં પુનાગામના કોંગી કોર્પોરેટરની આગેવાનીમાં આ પોસ્ટ-કાર્ડ અભિયાન છેડવામાં આવ્યું છે. જેની સાથે શહેરની 3500 જેટલી કબ્જા રસીદવાળી મિલકતોને કાયદેસર કરવાની માંગણી પણ કરવામાં આવી રહી છે.
સુરત મહાનગરપાલિકાને લગતા અન્ય બે પડતર પ્રશ્નોનો ઉલ્લેખ પોસ્ટ-કાર્ડમાં કરવામાં આવ્યો છે. જેમાં રોડ-રસ્તા વચ્ચે બંધ પડેલા હાઈ-ટેન્શન લાઇન દૂર કરવા તેમજ પાણીના મીટર પ્રથા નાબૂદ કરવાની માંગ સાથે કુલ 25 હજાર જેટલા પોસ્ટ લખવાની શરૂઆત આજથી કરવામાં આવી છે. સોસાયટી દીઠ પ્રમુખને આજ રોજ પોસ્ટ -કાર્ડની ફાળવણી કોંગી કોર્પોરેટરોની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં કરવામાં આવી હતી. પુનાગામના વિષ્ણુનગર સોસાયટી ખાતે મળેલી બેઠકમાં 17 જેટલી સોસાયટીના આગેવાનો અને પ્રમુખો હાજર રહ્યાં હતા. જ્યાં ઘરે-ઘરે પોસ્ટ-અભિયાન ચલાવવા આહવાન કરાયું હતું. સોસાયટીના રહીશોની પણ માગ છે કે, વરાછા વિસ્તારમાં સરકારી કોલેજ બનવી જોઇએ, જે માટે સરકાર વિધાર્થીઓના હીત માટે નિર્ણય કરે તેવી માગણી કરવામાં આવી છે.