વરાછા વિસ્તારમાં આવેલા પુણા ગામમાં એલપીડી વિદ્યા સંકુલની બાજુમાં ડીજીવીસીએલના થાંભલામાંથી અચાનક તણખા ઝરવા લાગ્યાં હતાં. વરસાદ ચાલુ હતો અને તણખા ઝરવા છતાં ડીજીવીસીએલનો પાવર કટ ન થતાં લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. 3 થી 4 મિનિટ સુધી તણખા ઝરવાની સાથે તેમાંં અરથીંગ થયા હોવાના અવાજ સંભળાતા આસપાસના લોકો એકઠા થયા હતા. અ સમગ્ર ઘટના સર્જાઇ ત્યારે શાળામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હતાં. ડીજીવીસીએલને મળેલી માહિતીના આધારે ફીડર બંધ કરી પાવરકાપ કરવાની સ્થિતિ સર્જાઇ હતી. સંજોગ અનુસાર મોટી દુર્ઘટના સર્જાઇ નથી. જોકે, ડીજીવીસીએલની બેદરકારીને લઈને લોકોમાં સવાલો ઉભા થયાં હતાં.
ડેપ્યુટી એન્જિનિયર, પુણા ડીજીવીસીએલ કે.આઈ.પટેલે જણાવ્યું હતું કે,વરસાદી પાણી કે ભેજના કારણે શોર્ટ સર્કિટ થયો છે. 440 વોલ્ટની એલટી કેબલ પોલથી એપાર્ટમેન્ટ લાઈન જતી હતી. તેમાં આગ લાગી હતી, ઘટનાની જાણ થતાં જ ફીડરનો પાવર બંધ કરીને ટીમને મોકલી આપવામાં આવી હતી. સમગ્ર ઘટના પાછળ કેબલમાં ભેજ અથવા તો વરસાદી પાણી ઉતર્યું હોવાના કારણે આગ લાગી હોય તેવુ પ્રાથમિક તબક્કે કહી શકાય છે.