- મીંઢોળા નદીના કિનારે દીપડાએ વસાહત બનાવી
- ફ્રેન્ડ્સ ઓફ એનિમલની ટીમે સર્વે કરતા તેમને પણ દીપડા દેખાયા
- દીપડો દેખાતા વિસ્તારના લોકોમાં ભયનો માહોલ
સુરતઃ બારડોલી તાલુકાના તાજપોર ગામની સીમમાં એક સાથે ચાર દીપડા ફરી રહ્યા હોવાનો વીડિયો વાઇરલ થતાં ગ્રામજનોમાં દહેશતનો માહોલ ફેલાયો છે. બારડોલીથી નવસારી જતા રોડ પર તાજપોર કોલેજની આજુબાજુમાં જ મંગળવારની રાત્રે દીપડા દેખાયા હતા. બીજી તરફ સર્વે કરવા ગયેલી ફ્રેંડ્સ ઓફ એનિમલ વેલ્ફેરની ટીમે પણ ચાર દીપડા ખેતરમાં રખડતા જોયા હતા.
ખેતરમાં જમીન લેવલનું કામ કરતા JCBના ડ્રાઈવરને દેખાયા દીપડા
બારડોલી તાલુકાના તાજપોર ગામની સીમમાં આવેલા એક ખેતરમાં મંગળવારના રોજ રાત્રે લેવલિંગનું કામ ચાલી રહ્યું હતું. ત્યારે ખેતરમાં જે.સી.બી. મશીન વડે લેવલિંગ કરવામાં આવી રહ્યું હતું, ત્યારે રાત્રિના 8 થી 9 વાગ્યાના અરસામાં જે.સી.બી. ના ચાલકને ખેતરમાં એક સાથે 4 દીપડા જોવા મળ્યા હતા.
ફ્રેન્ડ્સ ઓફ એનિમલની ટીમને એક પછી એક ચાર દીપડા દેખાયા
તાજપોર ગામમાં પાનનો ગલ્લો ચલાવતા કલ્પેશ ગામીતને જાણ કરતાં કલ્પેશે બારડોલીની ફ્રેંડ્સ ઓફ એનિમલ વેલ્ફેર ટ્રસ્ટના પ્રમુખ જતિન રાઠોડને જાણ કરી હતી. જતિન રાઠોડ અને તેમની ટીમે સ્થળ પર પહોંચી તપાસ કરતાં તેમને ગુરૂવારના રોજ બપોરના સમયે તાજપોર ગામની સીમમાં આવેલા સલિમભાઈના ખેતરમાં એક દીપડો જોવા મળ્યો હતો. બારડોલીને અડીને આવેલા તાજપોર ગામનો મીંઢોળા નદી કિનારાનો વિસ્તાર ખૂબ જ મોટો અને જંગલ વાળો વિસ્તાર છે. જે દીપડા માટે વધારે અનુકૂળ છે. દીપડા ઘણા સમયથી આ વિસ્તારમાં વસવાટ કરતાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
એક મહિના પૂર્વે કર્યો હતો બકરીનો શિકાર
એક મહિના પહેલા પણ આ વિસ્તારમાં એક દીપડાએ એક બકરીનો શિકાર કર્યો હતો. જ્યાં વન વિભાગ દ્વારા પાંજરૂ ગોઠવવામાં આવ્યું હતું. બાદમાં દીપડો તાજપોર ગામ તરફ દેખાતા ત્યાં પાંજરું મૂક્યું હતું પરંતુ હજી સુધી દીપડા પાંજરામાં પુરાઈ શક્યા નથી.