સુરત : ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા 5 માર્ચથી ધોરણ 10 અને 12ની પરીક્ષા શરૂ થઇ રહી છે. જે અંતર્ગત આર.બી.બ્રહ્મભટ્ટ દ્વારા ટ્રાફિક પોલીસને સુચના આપવામાં આવી છે કે, પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનોને અટકાવવા નહીં તથા જો તેઓ ટ્રાફિકમાં ફસાઈ તો તેમની પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવાની વ્યવસ્થા કરી આપવી. આ સાથે જ જો કોઈ વિદ્યાર્થી ટ્રાફિકમાં ફસાયો હશે અને તેને મદદની જરૂર હશે તો સ્થળ પર હાજર પોલીસ અથવા સ્થાનિક પોલીસની મદદ મેળવી શકે છે.
આ ઉપરાંત પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને પણ વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવા માટે મદદ માગી શકે છે. જે કોઈ વિદ્યાર્થી ટ્રાફિકમાં ફસાયા હશે તેમને સ્થાનિક પોલીસ દ્વારા કેન્દ્ર સુધી પહોંચાડવાની વ્યવસ્થા પોલીસ વાહન દ્વારા કરી આપવામાં આવશે. આ સાથે જ સુરતના તમામ પરીક્ષા કેન્દ્રો પર પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે. તેમજ જ્યાં વિદ્યાર્થીઓની ઉત્તરવહી રહેવાની છે. તેવા સ્ટ્રોંગ રૂમ ખાતે પણ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
શહેર પોલીસ કમિશ્નરે વિદ્યાર્થીઓને ભય મુક્ત વાતાવરણમાં પરીક્ષા આપે તેવી શુભેચ્છા આપી છે. આ સાથે જ કહ્યું છે કે, ધોરણ 12 અને 10ની પરીક્ષા એ જીવનની કોઈ અંતિમ પરીક્ષા નથી. જેથી પેપર કેવા ગયા છે. તેવી ચિંતા કરી માનસિક દબાણ રાખવું નહીં.