સુરત : શહેરના સારોલી વિસ્તારમાંથી સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ દ્વારા વધુ એક બાંગ્લાદેશની મહિલાની ધરપકડ કરવામાં આવી છે. SOG પોલીસ દ્વારા અગાઉ પણ સાત બાંગ્લાદેશીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ દરમિયાન SOG પોલીસ દ્વારા વધુ એક બાંગ્લાદેશી મહિલાને સારોલીમાંથી ઝડપી પાડી તેની ધરપકડ કરવામાં આવી હતી. આ ઉપરાંત મહિલા બાંગ્લાદેશની બોર્ડરમાંથી ગેરકાયદેસર ઘુસી હોવા છતાં તેનું આધારકાર્ડ બનાવી આપનારને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બાંગ્લાદેશી મહિલા : આ બનાવની મળતી માહિતી અનુસાર SOG પોલીસને જાણકારી મળી હતી કે, બાંગ્લાદેશની બોર્ડરમાંથી ગેરકાયદેસર રીતે ભારતમાં લોકોને ઘુસાડવામાં આવી રહ્યા છે. સુરતના અલગ અલગ વિસ્તારમાં આ લોકો રહે છે. જે બાતમીના આધારે SOG પોલીસે ટૂંક સમય પહેલા મેગા ઓપરેશન હાથ ધરી કુલ સાત બાંગ્લાદેશીઓને ઝડપી પાડ્યા હતા. જોકે ત્યારબાદ SOG પોલીસને આજે વધુ એક સફળતા મળી છે. SOG પોલીસને બાતમી મળી હતી કે, ચોકબજાર વેડ રોડ ખાતે અખંડાનંદ કોલેજની સામે આવેલ ત્રિભુવન સોસાયટીમાં રહેતી સંપાખાનોમ ઈરાહુલ મુલ્યા ગેરકાયદેસર રીતે સુરત શહેરમાં રહે છે. તેનું મૂળ વતન બાંગ્લાદેશના નોઈલ જિલ્લાનું ગોબરા ગામ છે.
બાંગ્લાદેશી મહિલા ઓળખ પુરાવા આપવામાં નિષ્ફળ નીવડી હતી. મહિલાએ પોતે બાંગ્લાદેશી હોવાનું તથા ગેરકાયદેસર રીતે સુરતમાં આવી હોવાની કબૂલાત કરી હતી. ગેરકાયદેસર આધારકાર્ડ બનાવી આપનાર વ્યક્તિને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. -- એ. આર. ચૌધરી (PI, SOG પોલીસ)
આધારકાર્ડ કોણે બનાવી આપ્યું ? SOG PI એ. આર. ચૌધરીએ જણાવ્યું હતુ કે, બાંગ્લાદેશી મહિલા ગેરકાયદેસર રીતે અહીં વસવાટ કરી રહી છે. જે બાતમીના આધારે પોલીસે તેને પકડી પાડી તેની તલાશી લઈ પૂછપરછ કરી હતી. જેમાં પોતે ઓળખ પુરાવા આપવામાં નિષ્ફળ નીવડી હતી. મહિલાએ પોતે બાંગ્લાદેશી હોવાનું તથા ગેરકાયદેસર રીતે સુરતમાં આવી હોવાની કબૂલાત કરી હતી. જેથી સુરત પોલીસે સંપાખાનોમ નામની મહિલાની ધરપકડ કરી છે. આ ઉપરાંત તેને ગેરકાયદેસર રીતે આધારકાર્ડ બનાવી આપનાર કડોદરા ખાતે રહેતા રાધેશ્યામ પ્રકાશ કુશવાને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.