સુરતના વડોદ ગામમાં આવેલા ડ્રેનેજ લાઈનની કુંડીમાં અતિ દુર્ગંધ આવતી હોવાથી સ્થાનિક લોકો દ્વારા તપાસ કરાતા માનવ કંકાલ મળી આવ્યું હતું. જે જોઈ સ્થાનિકો સ્તબ્ધ થઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતાં જ સુરત ફાયર વિભાગ અને પાંડેસરા પોલીસ સહિતનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ફાયરના જવાનો દ્વારા કંકાલને કુંડીમાંથી બહાર કાઢી પોલીસે આ માનવ કંકાલને સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. હાલ હોસ્પીટલમાં આ માનવ કંકાલ પુરુષનું છે કે, મહિલાનું તેની માહિતી મેળવવા પોલીસે DNA ટેસ્ટ કરાવવાની તજવીજ હાથ ધરી છે.
સાથે જ પોલીસ સ્ટેશનમાં કોઈ મિસિંગ ફરીયાદ દાખલ થઈ છે કે, કેમ તેની પણ હાલ તપાસ કરવામાં આવી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સુરતના પાંડેસરા વિસ્તારમાંથી મળી આવેલ માનવ કંકાલ મહિલાનો હોવાની શક્યતા છે. અજાણ્યા શખ્સો દ્વારા હત્યા કરી મૃતદેહને ડિઝપોઝ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જો કે, હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.