સુરત: સુરત સહીત રાજ્યમાં આજરોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આશાદીપ સ્કૂલમાં 130 વિદ્યાર્થી ઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. સ્કૂલના વિદ્યાર્થીઓએ માથે સફા પહેરીને ગરબા રમી પોતાની ખુશી વ્યક્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થીઓ ઘણા સમયથી આ પરિણામની રાહ જોઈ રહ્યા હતા. આજે પરિણામ જાહેર થતા જ વિધાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે.
સફળતાનો પરિવારને શ્રેય: 90.28 ટકા લાવનાર વિશ્વા કોરાટે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે મારા પપ્પાએ મારી પાછળ ખૂબ જ મહેનત કરી છે. હું વિચારતી હતી કે સારા માર્ક્સ લાવવા જોઈએ જેથી મારા પપ્પાને મારા પર ગર્વ થાય. મારા પપ્પાએ મારા માટે ખૂબ જ સંઘર્ષ કર્યો છે. મારે આગળ જઈને સીએ બનવાનું છે.
'મારા 91.01% આવ્યા છે. મારા પપ્પા રત્નકલાકાર છે. મેં A1 ગ્રેડ માટે રાત દિવસ ખૂબ જ મહેનત કરી છે. આગળ જઈને મારે સીએ બનવાનું છે. આ મહેનત પાછળ સ્કૂલ અને ટ્યુશન સિવાય એક્સટ્રા ત્રણથી ચાર કલાક મહેનત કરી હતી. સ્કૂલનો પણ ખૂબ જ સપોર્ટ રહ્યો હતો. પપ્પા રત્ન કલાકાર છે તેમ છતાં અમને જોઈતી તમામ વસ્તુઓ પૂરી પાડી છે.' -ઈશા નિલેશભાઈ સાવલિયા, વિદ્યાર્થીની
પરિવારોમાં ખુશીનો માહોલ: 93 ટકા સાથે પાસ થનાર ક્રિષ્ના જણાવે છે કે તેના આ પેહલા ધોરણ 10 માં 75 ટકા આવ્યા હતા. તેના પિતા પણ રત્નકલાકાર તરીકે કામ કરે છે. તેમનો પરિવાર બે રૂમ અને રસોડાના મકાનમાં રહે છે. પરિવાર અને શાળા પરિવાર તરફથી ખૂબ જ સપોર્ટ મળ્યો છે. ક્રિષ્નાને આગળ જઈને સીએ બનાવની ઈચ્છા છે. તેમને વધુમાં જણાવ્યું હતું કે મારી પાછળ મારા પપ્પાનો ખૂબ જ સંઘર્ષ અને સપોર્ટ રહ્યો છે. સ્કૂલ-ટ્યુશન થઈને કુલ 9 કલાક અભ્યાસને સમય આપતી હતી.