સુરત: માનવીના મૃત્યું બાદ તેનું મૃત શરીર ડિકમ્પોઝ થવા લાગે છે, તેને અટકાવવા માટે રક્તવાહિની દ્વારા પ્રેશર પંપથી તેમના શરીરમાં ખાસ પ્રકારનું મિશ્રણ ઉમેરવામાં આવે છે, જેના કારણે શરીરની ડિકમ્પોઝની પ્રક્રિયા ધીમી થઇ જાય છે, અને આ સમગ્ર પ્રક્રિયાને એમ્બાલ્બીંગ કહેવાય છે. એમ્બાલ્બીંગ મૃતદેહને રાસાયણિક પ્રક્રિયા દ્વારા વૈજ્ઞાનિક ઢબે સાચવવાની પ્રક્રિયા છે. આ પ્રક્રિયામાં શરીરની નસો તથા પોલાણમાં ઈન્જેક્શન દ્વારા એમ્બાલ્મીંગ પ્રવાહી આપવામાં આવે છે. જેનાથી બોડી સડવાની પ્રક્રિયા અટકી જાય અને જંતુ મુકત થઇ જાય છે. જેથી મૃતદેહના સંર્પકમાં આવનાર લોકોને પણ ચેપ લાગવાનો ભય રહેતો નથી.
એમ્બાલ્મીંગ કેમ કરવામાં આવે છે?: જયારે કોઈ વ્યક્તિના મૃતદેહને લાંબો સમય સુધી સાચવવાનો હોય અથવા એક સ્થાન પરથી બીજા સ્થાન પર મોકલવાનો હોય અને તેમાં સમય વધુ લાગતો હોય ત્યારે એમ્બાલ્મીંગ કરીને તેને સાચવામાં આવે છે. જેનાથી બોડી જે તે સ્થિતિમાં જ લાંબો સમય સુધી ટકી રહે છે. એમ્બાલ્મીંગ પ્રોસેસ આમ તો ભારતીય વૈજ્ઞાનિકોની જૂની પદ્ધતિ છે. જેને વિદેશોમાં મોટા પ્રમાણમાં ઉપયોગમાં લેવામાં આવે છે. ભારતમાં આ માટે શરૂઆત હજુ થઈ છે અને તેનો ઉપયોગ વધી રહ્યો છે. જયારે એક શહેરમાંથી બીજા શહેરમાં મૃતદેહ મોકલવાનો હોય તો લાંબો સમય લાગી શકે છે. તે સમયે એમ્બાલ્મીંગ પ્રક્રિયા કરી બોડીને યોગ્ય રીતે સાચવી શકાય છે. મૃતદેહને વિદેશમાં મોકલવો અથવા અંતિમક્રિયા માટે વધારે સમય સાચવવાની જરૂરીયાત ઊભી થાય ત્યારે એમ્બાલ્મીંગ કરવું પડે છે. એક ઇન્જેક્શનથી મૃતદેહને મહિના સુધી સાચવી શકાય છે. ઇન્જેક્શન મારફ્તે માનવ શબમાં રસાયણ દાખલ કરવામાં આવે છે.
શબની સાચવણી: એમ્બાલ્બીંગની પ્રક્રિયાના આધારે રસાયણની માત્રા નક્કી કરવામાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયાને એમ્બાલ્મીંગ કહેવાય છે, જેનાથી શબ ફૂલતું નથી અને જીવાણુમુક્ત તથા દુર્ગંધમુક્ત રહે છે. એમ્બાલ્મીંગ બાદ શબને કોલ્ડરૂમ અથવા બરફની પાટ પર મુકવાની પણ આવશ્યક્તા રહેતી નથી. એમ્બાલ્મીંગ દ્વારા શબને જે તે અવસ્થામાં વર્ષો સુધી જેમનું તેમ રાખી શકાય છે.
એમ્બાલ્મીંગની પ્રક્રિયા: બહારગામ ડેડબોડી મોક્લવા માટે મૃતક્ના પરિવારજનો કે મિત્રોએ પ્રાઈવેટ એમ્બ્યુલન્સવાળાઓને તગડી રકમ ચુકવી પડતી હોય છે. તો ડેડબોડીને તેના ઘર સુધી પહોચડવા માટે બેથી ત્રણ દિવસનો સમય પણ લાગતો હોય છે. જો કે તજજ્ઞોનું કહેવું છે કે, એમ્બાલ્મીંગ મારફત ડેડબોડી લઈ જવાના ખર્ચ કરતાં એરકાર્ગોનો ખર્ચ 75 ટકા જેટલો જ થાય છે, ઉપ૨થી સમયનો મોટો બચાવ પણ થાય છે. વિમાનમાં ડેડબોડી મોકલવામાં કાયદાકીય પ્રક્રિયા એમ્બાલ્મીંગ ટ્રીટમેન્ટ અને કોફિનની મૂળભૂત જરૂરિયાતો રહે છે, જેના થકી ડેડબોડી વૈજ્ઞાનિક રીતે સચવાય રહે છે અને લોકોને ઈન્ફેકશનનો ભય પણ રહેતો નથી. આ માટે ફોરેન્સિક વિભાગના એક્સપર્ટ સર્ટિફિકેટ પણ આપે છે. આ સર્ટિફિકેટ બાદ જ એરપોર્ટ એથોરિટી શબ લઈ જવા માટેની પ્રક્રિયા હાથ ધરે છે. મૃતદેહને તમામ પ્રક્રિયા કરાવ્યા બાદ પણ એરપોર્ટ સુધી મોકલવાની કામગીરી કરવામાં આવે છે
મૃત્યુના બે કલાક બાદ થાય છે એમ્બાલ્બીંગ: સુરતના એક ફોરેન્સિક એક્સપર્ટના જણાવ્યાં અનુસાર હજી બહુ ઓછા લોકોને આ એમ્બાલ્બીંગ રાસાયણિક પ્રક્રિયા વિશે ખબર છે. આ પ્રક્રિયા બાદ મૃતદેહને હોસ્પિટલમાં મૂકવાની જરૂર પણ પડતી નથી તે ઘરે કે અન્ય સ્થળે રાખી શકાય છે. જ્યારે કોઈ વ્યક્તિનું કુદરતી કે પછી અકસ્માતમાં મૃત્યુ થાય ત્યારે તે વ્યક્તિના અંતિમ સંસ્કારની પ્રક્રિયામાં એક બે દિવસ કે તેથી વધારે સમય લાગવાનો હોય છે, ત્યારે મૃતદેહને સડતો અટકાવવા તથા દુર્ગંધ ન આવે તે માટે એમ્બાલ્બીંગ રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે છે. મહત્વપૂર્ણ છે કે, મૃત્યું બાદ બે કલાક સુધીમાં મૃતદેહ પર આ પ્રક્રિયા કરવી પડે છે.
મહત્વપૂર્ણ છે કે, થોડા દિવસો પહેલાં અમદાવાદ જિલ્લાના કડી તાલુકાના ધરમપુર ગામ ખાતે તિરંગા યાત્રા દરમિયાન પેરાશૂટથી પુષ્પ વર્ષાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કોરિયાથી 2 પેરાશૂટર બોલાવ્યા હતા. આ બંને પેરાશૂટર્સ ટ્રાયલ દરમિયાન અકસ્માતનો ભોગ બનતા મૃત્યુ પામ્યાં હતાં, તેથી તેમનું પોસ્ટમોર્ટમ કર્યા બાદ તેમનાં મૃતદેહને દૂતાવાસ, કસ્ટમ્સ, પોલિસ સહિતની કાયદાકીય કાર્યવાહી પુર્ણ કરીને મૃતદેહ પર એમ્બાલ્મીંગ પ્રક્રિયા કરીને તેને કોફીનમાં પેક કરી તેમના વતન કોરિયા ખાતે મોકલવામાં આવ્યાં હતાં.
પાર્થિવ પટેલના પિતાના મૃતદેહ પર કરાઈ હતી એમ્બાલ્બીંગ પ્રક્રિયા
ભારતીય ક્રિકેટર પાર્થિવ પટેલના પિતાનું નિધન થતા તેમના સ્વજનો અંતિમ દર્શન કરી શકે તે માટે 4 દિવસ સુધી તેમના પાર્થિવ દેહને અંતિમક્રિયા સુધી સાચવવા માટે એમ્બાલ્બીંગ પ્રક્રિયા હાથ કરવામાં આવી હતી. આથી તેમની અંતિમ ક્રિયા સુધી મૂળભૂત સ્વરૂપમાં સાચવ્યો હતો.
હરિધામ સોખડાના સંત હરિપ્રસાદ સ્વામીજીના નશ્વરદેહ પર કરાઈ હતી એમ્બાલ્બીંગ પ્રક્રિયા
આ ઉપરાંત સ્વામીનારાયણ સંપ્રદાયના સંત અને યોગી ડિવાઈન સોસાયટીના પ્રણેતા સમાન હરિધામ સોખડાના સંત હરિપ્રસાદ સ્વામીજીના બ્રહ્મલીન થયાં બાદ તેમના અનુયાયીઓ તેમના અંતિમ દર્શન કરી શકે તે માટે તેમના નશ્વર દેહને યથાસ્થિતિમાં રાખવા માટે એમ્બાલ્બીંગની પ્રક્રિયા કરવામાં આવી હતી.