સુરત: પૂર્વ સાંસદો કે જેઓએ સરકારી બંગલાને અત્યાર સુધી ખાલી નથી કર્યા તેવા આશરે 40 જેટલા પૂર્વ સાંસદો આવનાર ત્રણ દિવસમાં સરકારી આવાસ ખાલી નહીં કરે તો તેમના આવાસની વીજળી, પાણી, અને ગટર લાઈન કાપી નાખવામાં આવશે. આ ચેતવણી પાર્લામેન્ટ હાઉસના ચેરમેન અને નવસારીના સાંસદ સી.આર.પાટીલે આપી છે. સરકારી બંગલા ખાલી ન કરવા વાળા પૂર્વ સાસંદોમાં પપ્પુ યાદવ અને રંજન યાદવ જેવા બાહુબલી નેતાઓ પણ સામેલ છે.
સાંસદ તરીકે ચૂંટાઇને આવ્યા હોય અને કાર્યકાળ પૂર્ણ થઈ ગયા પછી પણ મળેલા સાંસદ આવાસને અત્યાર સુધી ખાલી ન કરનાર નેતાઓ સામે તવાઈ આવી છે. પાર્લામેન્ટ હાઉસ કમિટીના ચેરમેન સી.આર. પાટીલે ETV Bharatને જણાંવ્યુ હતું કે, આવા તમામ નેતાઓને મકાન ખાલી કરવા સાત દિવસનો સમય આપવામાં આવ્યો છે અને આવનારા ત્રણ દિવસમાં જો તેઓ મકાન ખાલી નહીં કરે તો મકાનની વીજળી પાણી અને ગટર લાઈન જેવી સુવિધા કાપી નાખવામાં આવશે.
હાઉસિંગ કમિટી ચેરમેન સી.આર.પાટીલે વધુમાં જણાંવ્યુ હતું કે, કેટલાક પૂર્વ સાંસદો મકાન તો ખાલી કરી ચૂક્યા છે પરંતુ ત્યારબાદ તેમના આસિસ્ટન્ટ અથવા તો તેઓએ અન્ય લોકોને મકાન રહેવા આપી દીધા છે. તેઓને કહીં દેવામાં આવ્યુ છે કે, આવનાર દિવસોમાં સરકારી આવાસને ખાલી કરી આપે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં 40 જેટલા આવા નેતાઓ છે જે પૂર્વ સાંસદ છે તેમ છતાં હાલ પણ સરકારી આવાસની સુખ સાહબી ભોગવી રહ્યા છે. જો આવનાર દિવસોમાં આ લોકો આવાસ ખાલી નહી કરે તો પોલીસ બંદોબસ્ત સાથે તેમનો સામાન બહાર કાઢવામાં આવી શકે છે. આ તમામ નેતાઓમાં બિહારના બાહુબલિ નેતા પપ્પુ યાદવ અને રંજન યાદવનું પણ નામ શામેલ છે જેઓને મકાન ખાલી કરવા માટે કહી દેવામાં આવ્યું છે.