સુરત: શહેરના લિંબાયત વિસ્તારમાં ઓનર કિલિંગની ઘટના બની છે. પિતરાઈ બહેને અન્ય સમાજના યુવક સાથે પ્રેમલગ્ન કરતાં આરોપી ભાઈ રોષે ભરાયો હતો. બહેનના કોર્ટ મેરેજ બાદ વરના પરિવાર દ્વારા બંનેના વિધિવત લગ્ન કરાવવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. લગ્નના એક દિવસ પહેલા ઘરમાં હલ્દીની વિધિ ચાલી રહી હતી. ત્યારે અચાનક જ પિતરાઈ ભાઈએ બહેન ઉપર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. ત્યાં હાજર લોકોએ આરોપી ભાઈને પકડીને પોલીસને જાણકારી આપી હતી. લિંબાયત પોલીસે ઘટનાસ્થળે પહોંચી યુવકની ધરપકડ કરી હતી.
લગ્ન પહેલા હત્યા : આરોપીની પિતરાઈ બહેન કલ્યાણી પાટીલે લિંબાયતના રામેશ્વર નગર સોસાયટીમાં રહેતા જીતેન્દ્ર ધાગાજી મહાજન સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. જોકે પરિવારે બાદમાં બંનેના વિધિવત લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો. મંગળવારે લગ્ન નક્કી કરવામાં આવ્યા હતા. પરંતુ હલ્દીની વિધિ લોહીના લાલ રંગથી રંગાઈ હતી. એક દિવસ પહેલાં જ્યારે હલ્દીની વિધિ ચાલી રહી હતી. ત્યારે અચાનક જ યુવતીનો પિતરાઈ ભાઈ ત્યાં પહોંચી ગયો હતો. ધારદાર ચપ્પુ લઈને ભાઈ મંડપમાં પહોંચી ગયો હતો અને બહેનની કરપીણ હત્યા કરી નાખી હતી.
આરોપી બહેન કલ્યાણીના પ્રેમ લગ્નથી નારાજ હતો. કલ્યાણી પાટીલ સમાજની છે જ્યારે તેનો વર મહાજન સમાજનો છે. બંને મરાઠી સમાજથી આવે છે. પરંતુ જ્ઞાતિ અલગ હોવાના કારણે તે રોષે ભરાયો હતો. હલ્દીની રસમ ચાલી રહી હતી ત્યારે તે અચાનક જ ત્યાં ચપ્પુ લઈને પહોંચી ગયો હતો અને બહેન ઉપર હુમલો કરી દીધો હતો. ત્યાં હાજર લોકોએ તેને પકડી પાડી પોલીસને જાણ કરી હતી. બીજી બાજુ લોકોએ એમ્બ્યુલન્સને પણ જાણ કરી હતી પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા આજ ઇજાગ્રસ્ત કલ્યાનીનું મોત નીપજ્યું હતું. આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.-- એચ.બી.ઝાલા (PI, લિંબાયત પોલીસ સ્ટેશન)
ભાઈ બન્યો જલ્લાદ: બંને પરિવાર સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં જ રહે છે. એક મહિના પહેલા કલ્યાણી અને જીતેન્દ્રએ કોર્ટમાં મેરેજ કર્યા હતા. જીતેન્દ્રના પરિવારે લગ્નને સ્વીકાર કરી વિધિવત લગ્ન કરવા માટેનો નિર્ણય લીધો હતો. જ્યારે કલ્યાણીના પરિવાર હજુ પણ તેનો સ્વીકાર કર્યો નહોતો. વર-વધુ બંને વિધિવત રીતે લગ્નગ્રંથિથી જોડાય તે પહેલા જ હલ્દીની વિધિમાં ભાઈએ બહેનની હત્યા કરી નાખી હતી. લગ્નમાં આવેલા લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. જોકે ત્યાં હાજર લોકોએ તરત જ આરોપી ભાઈને ઝડપી લીધો હતો. ગંભીર રીતે ઘાયલ કલ્યાણીને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. પરંતુ કલ્યાણી હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું.