બનાસકાંઠા : ચોમાસા બાદ પાલનપુરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વધી રહ્યો છે. નાના બાળકોથી માંડી મોટેરા લોકો પણ હાલ આવી બીમારીનો ભોગ બની રહ્યા છે. જેમાં સૌથી વધુ શરદી-ખાંસી અને તાવના દર્દીઓ જોવા મળી રહ્યા છે. ઘરે ઘરે બીમારીના ખાટલા જોવા મળ્યા અને દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં વધી રહ્યા છે. ઓપીડીની સંખ્યા વધતા તેમની સારવાર માટે પણ વધુમાં વધુ વ્યવસ્થા કરવામાં આવી છે.
રોગચાળો વકર્યો : પાલનપુર સિવિલ હોસ્પિટલમાં દૈનિક 700 થી 800 જેટલી OPD નોંધાતી હતી. જેની સામે છેલ્લા દસેક દિવસથી 1,500 થી 1,600 જેટલા દર્દીઓની OPD હાલ નોંધાઈ રહી છે. એટલે કે સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવા આવતા દર્દીઓની સંખ્યા બમણી થઈ ગઈ છે. સારવાર લેવા આવતા દર્દીઓમાં શરદી-ખાંસી, તાવ અને ઝાડા-ઉલટી સહિત પેટના રોગના દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે પહોંચી રહ્યા છે.
OPD ની સંખ્યા ડબલ થઈ : સિવિલ હોસ્પિટલમાં વધેલી દર્દીઓની સંખ્યા અંગે સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. સુનિલ જોશીએ કહ્યું કે, હાલમાં સિવિલ હોસ્પિટલમાં OPD ની સંખ્યા ડબલ થઈ ગઈ છે. ડબલ ઋતુના કારણે લોકો ઘરે ઘરે બીમાર પડી રહ્યા છે. જોકે, બીજી તરફ પાલનપુર સિવિલ હોસ્પિટલમાં નિશુલ્ક અને ઉત્તમ સારવાર મળતી હોવાના કારણે દર્દીઓ વધુમાં વધુ સારવાર લેવા માટે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં પહોંચી રહ્યા છે.
મચ્છરજન્ય અને પાણીજન્ય રોગો : બનાસકાંઠા જિલ્લામાં વરસાદ બાદ ગરમી અને ત્યારબાદ ફરી વરસાદ પડતા લોકો ડબલ ઋતુનો અહેસાસ કરી રહ્યા છે. તેમજ મચ્છરજન્ય અને પાણીજન્ય રોગો હાલમાં વધી રહ્યા છે. સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓમાં મોટાભાગના દર્દીઓમાં ડેન્ગ્યુ, તાવ અને પેટમાં દુખાવા સહિત શરદી-ખાંસીના લક્ષણો જોવા મળી રહ્યા છે. જોકે આ વાઇરલ ફીવરમાં ત્રણથી ચાર દિવસ સારવાર લેવી પડી રહી છે. જે બાદ દર્દીઓ સ્વસ્થ થઈ રહ્યા છે.