અમરોલી વિસ્તારમાં અગાઉ મહિલા વકીલ, યુવતીઓ સહિતની ટોળકીઓ દ્વારા રત્નકલાકાર કિશોરને ફસાવીને રૂપિયા પડાવાતા હતાં. આ કેસમાં ફરિયાદી કિશોર વિનુ ઈસામલિયા દ્વારા આરોપી કિશોર હિંમત ઈસામલીયા સહિતના સામે ફરિયાદ દાખલ કરી હતી. આ ઘટનાને લઈને સોમવારે રાત્રે કિશોર વિનુ ઈસામલિયાને તેના ઘર નજીક જ અમરોલી સાયણ રોડ લોયાધામ સોસાયટીની સામે માર મારવામાં આવ્યો હતો.
સ્થાનિકોએ કિશોર વિનુને બચાવી લીધો હતો. બાદમાં આ વીડિયો સ્થાનિકોએ ઉતાર્યો હોવાથી સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ સમગ્ર કેસમાં અમરોલી પોલીસને કોઈ જ જાણ ન હોવાનું જાણવા મળ્યું હતું. ફરિયાદી કિશોરે જણાવ્યું હતું કે, મહિલાએ તેને પ્રેમમાં ફસાવી ફોટા પાડ્યા હતા અને આ ફોટો સોશ્યલ મીડિયા ઉપર વાયરલ કરવાની ધમકી આપી હતી.
જેના કારણે તેણે 4.50 લાખ રૂપિયા પણ આપી દીધા હતા. તેમ છતાં બ્લેકમેલિંગ કરતા હતાં, આખરે તેણે કંટાળીને વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ થતા આરોપીના મદદગાર કિશોર અને તેના સાથીઓએ તેને લાકડા અને રૉડથી ઢોર માર માર્યો હતો. જ્યારે તેને મારવામાં આવી રહ્યા હતા ત્યારે, સ્થાનિકોએ વિડીયો પણ બનાવી લીધો હતો. તો બીજી તરફ ફરિયાદીએ સમગ્ર મામલે પોલીસ કમિશ્રર કચેરીનું શરણું લીધું હતું અને ન્યાયની માગ કરી હતી. જેેને લઇને અમરોલી પોલીસે રાયોટિંગની ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.