અગ્નિકાંડમાં ભોગ બનનારી કરિશ્મા ગજેરાના પિતા જયસુખલાલ ગજેરાએ હાઇકોર્ટમાં રીટ દાખલ કરતા માગ કરી હતી કે, આ સમગ્ર દુર્ઘટનામાં 22 જેટલા વિદ્યાર્થીઓના મોત નીપજ્યા હતા. આ મુદ્દે સુરત પોલીસે તક્ષશિલા આર્કેડના બિલ્ડર હસમુખ વેકરીયા, જીગ્નેશ બાગદાણ અને સંચાલક ભાર્ગવ બુટાણી વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. જ્યારે ગેરકાયદેસર બાંધકામ કરવા બદલ મંજૂરી આપનાર સુરત મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ કોઈ પગલાં લેવામાં ન આવ્યા હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો.
અરજદારનો આક્ષેપ છે કે, આગની ઘટના બાદ પણ બે કલાક સુધી પાસે આવેલા ટ્રાન્સફોર્મર અને કેબલને બંધ કરવામાં આવ્યા ન હતા. જેથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા કરુણાંતિકા સર્જાઇ હતી. જવાબદાર લોકો વિરૂધ્ધ આકરા પગલા ના લેવાયા હોવાથી સુરત પોલીસ કમિશ્નરને પણ રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં કાંઈ પરિણામ ન આવતા ગુજરાત હાઇકોર્ટમાં કેસની તપાસ CIDને સોંપવા રિટ દાખલ કરવામાં આવી હતી.