સુરત: રાંદેરમાં નોંધાયેલા કોરોનાના પોઝિટિવ કેસ બાદ શરદી, ખાંસી વાળા દર્દીઓને આરોગ્યની ટીમ દ્વારા તાત્કાલિક સારવાર આપવામાં આવી રહી છે. તે દરમિયાન પોઝિટિવ વાળા દર્દીના વિસ્તારને પણ કોરોન્ટાઇન કરવામાં આવ્યા હતા. સમગ્ર વિસ્તારમાં ડિશ-ઇન્ફેક્શનની કામગીરી કરવામાં આવી રહી છે. જ્યાં બિનજરૂરી લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. બીજી તરફ આજ રોજ સુરતમાં વધુ 12 શંકાસ્પદ કોરોના વાઈરસના કેસ નોંધાયા છે.
સુરતમાં અત્યાર સુધી કુલ 8 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી 1નું મોત થયું જ્યારે એકને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. જ્યારે સુરત જિલ્લામાં એક પોઝિટિવ કેસ છે. સુરત શહેરમાં કુલ શંકાસ્પદ કેસોની સંખ્યા 104 છે. જેમાંથી 83 કેસોના નેગેટિવ રિપોર્ટ આવ્યા છે. તો હાલ 13 રિપોર્ટ પેન્ડિંગ છે. મેડિકલ હેલ્થકેરમાં કાર્યરત વરાછાની 25 વર્ષીય મહિલાને દાખલ કરવામાં આવી છે.
અમદાવાદથી આવેલો વરાછાનો 35 વર્ષીય યુવક, વરાછાની 63 વર્ષીય મહિલા, સીમાડાના 60 વર્ષીય વૃદ્ધ, ભટારના 83 વર્ષીય વૃદ્ધ, અડાજણના 60 વર્ષીય વૃદ્ધ, દુબઈથી આવેલા સીંગણપોરનો 29 વર્ષીય યુવક અને રાંદેરના 57 વર્ષીય વૃદ્ધને દાખલ કરાયા છે. આ સાથે મુંબઈથી આવેલા પર્વત પાટિયાના 25 વર્ષીય યુવક, કતારગામના 68 વર્ષીય વૃદ્ધા, અડાજણના 72 વર્ષીય વૃદ્ધ અને સિક્કિમથી આવેલા અડાજણ પાટીયાના 54 વર્ષીય વૃદ્ધાને શંકાસ્પદ હાલતમાં દાખલ કરવામાં આવ્યા છે.