સુરત: આજ રોજ સુરત ખાતે લાયન્સ ઇન્ટરનેશનલ દ્વારા શંખનાદનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જ્યાં ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ કાર્યક્રમમાં ઉપસ્થિત થયા હતા. તેમની ઉપસ્થિતિમાં લાયન્સની 20મી નવી ડીસ્ટ્રીક કેબિનેટે શપથ ગ્રહણ કરી હતી. જોકે આ કાર્યક્રમમાં સી.આર.પાટીલે વિરોધીઓને ગર્ભિત ઈશારો કર્યા હતો અને નામ લીધા વગર સખણા રહેવાની શિખામણ આપી હતી.
2024 ચૂંટણી સુધી લગ્ન, વસ્તુ, એન્ગેજમેન્ટમાં આવા કોઈ કાર્યકર્મમાં જઈશ નહીં એવું નક્કી કર્યું છે. પણ લાયન્સ ગ્રુપના સભ્યોનો આગ્રહ હતો એટલે આવ્યો છું. જ્યારે લીડરશીપ ઉભી કરવાની વાત હોય છે ત્યારે લીડરશીપ એક દિવસમાં ઉભી નથી થતી. આજે તમને સંસ્થા જ્યારે લીડરશીપ માટે જવાબદારી આપે છે ત્યારે તમે સંસ્થાથી ઉપર નથી. કાંતો તમે સક્ષમ હોય તો જ તમને જવાબદારી આપવામાં આવી છે તેવું પણ માનવું નહિ. - સી આર પાટીલ, ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ
RSSના સંસ્કાર યાદ દેવડાવ્યા: સાથે જ તેમણે જણાવ્યું કે RSSમાં પણ આજ સંસ્કાર આપવામાં આવે છે. એમાં પણ કહેવામાં આવે છે કે તમે સક્ષમ છો એટલે જવાબદારી તમને જ મેળવી જોઈએ તેવો આગ્રહ રાખવો નહિ. પરંતુ જે જવાબદારી મળે તેના માટે સક્ષમ બનવા પ્રયત્ન કરવો જોઈએ. જો આવું ન થાય તો કેટલીક વખત લોકો સ્પર્ધામાં ઉતરી જાય છે. હું સક્ષમ છું છતાં મને જવાબદારી ન આપી એવી ભાવના મન માં ના થવી જોઈએ. જવાબદારી નહીં મળતા અસર તેમના મન પર થાય છે. શરીર પર થાય છે. તમારા સ્વભાવ પણ ચીડિયો તો થઈ જાય છે.
જાત ઉપર કંટ્રોલ કરતા શીખો: વધુમાં જણાવ્યું કે આ તમામ બાબતો તમારા કામ અને પરિણામ ઉપર પણ અસર પડે છે. એના જ કારણે તમને તમારા પરિવારને, શહેરને, રાજ્યને, દેશને એમ દરેકને નુકસાન થાય છે. અને એટલા જ માટે લાયન્સ શીખવે છે કે તમે તમારી જાત ઉપર કંટ્રોલ કરતા શીખો. અને તમે સક્ષમ હોવ તો તમને જે જવાબદારી આપવામાં આવી હોય તેને નિભાવવાનો પ્રયત્ન કરો. આ લાઇન્સની પરંપરા રહી છે અને આ પરંપરાના કારણે જ અહીં કોઈ ફુસાફુસી જોવા મળતી નથી. પરંતુ ખૂબ જ શાંતિથી પડદા પાછળ રહીને અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરતા કરતા આજે સમાજમાં સંસ્થાનું એક મોટું સ્થાન ઊભું થયું છે.