સુરત : વનવિભાગે પાંજરુ ગોઠવતા ગતરોજ રાત્રિના 11:30 વાગ્યાની આસપાસ દીપડો પાંજરે પુરાયો હતો. ફ્રેંડ્સ ઓફ એનિમલની ટીમે નાઈટ વિઝન કેમેરા ગોઠવી દીપડાની હિલચાલ કેમેરામાં કેદ કરી હતી.
જિલ્લાના બારડોલી તાલુકાનાં જૂની કીકવાડ ગામે છેલ્લા એક મહિનાથી દીપડો નજરે ચડી રહ્યો હતો. આ દીપડો રહેણાંક વિસ્તારમાં આવી પાલતુ પશુઓનો શિકાર કરતો હતો. કીકવાડ ગામે ગભેણી ફળિયામાં રહેતા રાજુભાઇ ચૌધરીના ઘરના પાછળના વાડાભાગેથી દીપડો મરઘીનો શિકાર કરી રહ્યો હતો. જે અંગેની જાણ રાજુભાઇએ બારડોલી ફ્રેન્ડસ ઓફ એનિમલ ટ્રસ્ટના પ્રમુખ જતીન રાઠોડને કરતાં જતીન રાઠોડે નાઈટ વિઝન કેમેરા ગોઠવ્યા હતા.
આ અંગેની વનવિભાગને જાણ કરતાં વનવિભાગની ટીમે પાંજરું ગોઠવ્યું હતું. જેમાં ગતરોજ રાત્રિના સમયે મારણ ખાવાની લાલચે રાત્રિના 11;30 વાગ્યાની આસપાસ ચાર વર્ષનો દીપડો પાંજરે પુરાયો હતો. ઘટનાની જાણ થતાં જ લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું. વનવિભાગની ટીમે દીપડાનો કબ્જો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.