સુરત: વેડ રોડ વિસ્તાર ખાતે આવેલા બહુચર નગરના બિલ્ડર કાનજીભાઈએ વર્ષ 2013 માં પોતાના બે પુત્રો સાથે મળીને લક્ષ્મી પૂજન અને ભાગ્ય લક્ષ્મી બચત યોજના શરૂ કરી હતી. આ યોજના મુજબ 500 અને 1000 રૂપિયા ભરી તેઓ સભ્ય બનાવતા હતા અને 30થી 40 મહિના બાદ રકમ પરત આપતા હતા. આ દરમિયાન 20 જાન્યુઆરી 2017ના રોજ કાનજીભાઈનું મોત નીપજ્યું હતું.
બચત યોજનાના નામે ઠગાઈ: કાનજીભાઈના મૃત્યુ બાદ પણ તેમના બંને પુત્રો બચત યોજના ચલાવી રહ્યા હતા અને ઓફિસમાં બેસતા પણ હતા. જો કે તેઓએ કેટલાક લોકોને બચત યોજના પૂરી થયા બાદ પણ પૈસા પરત ન કર્યા હતા. લોકોએ પૈસા પરત માંગતા તેમણે બહાનાબાજી શરૂ કરી હતી. બહુચર નગરના બિલ્ડર સહિત અન્ય 30 સભ્યોને પિતાના મરણ બાદ પણ પાકતી મુદ્દતે કુલ રૂપિયા 39.64 લાખ નહીં આપતા ચોક બજાર પોલીસ મથકમાં બંને વિરુદ્ધ ફરિયાદ કરી હતી. ભોગ બનેલા લોકોએ અરજી કરતાં 31 વ્યક્તિઓની ફરિયાદના આધારે પોલીસે ફોજદારી ગુનો નોંધ્યો હતો.
'સ્થાનિક બિલ્ડર હર્ષદભાઈ રાઠોડ તથા અન્ય 30 જેટલા સભ્યોએ જણાવ્યું હતું કે તેમના આ યોજના હેઠળ નીકળતાં 39.64 આરોપીઓ દ્વારા પરત કરવામાં આવ્યા નથી. આ સમગ્ર મામલે તપાસ હાથ ધર્યા બાદ ગુનો નોંધવામાં આવ્યો હતો. આરોપી અનિલ ભોજ સહિત તેમના ભાઈ અરવિંદ વિરુદ્ધ અરજીઓની તપાસ આધારે ફરિયાદ નોંધવામાં આવી હતી અને ચોક બજાર પોલીસ દ્વારા આ બંને ભાઈઓ વિરુદ્ધ ઠગાઈની ફરિયાદ હેઠળ ધરપકડ કરવામાં આવી છે.' - વિશાળ વાઘડીયા (PI, ચોક બજાર પોલીસ મથક)