માહિતી પ્રમાણે, ઉધના વિસ્તારમાં કાશીનગર વિસ્તારની શ્રીજી હોસ્પિટલના ગ્રાઉન્ડ ફ્લોરના ભાગે આવેલી મીટર પેટીમાં ધડાકા સાથે શોર્ટ- સર્કિટના કારણે આગ લાગી હતી. જેથી આસપાસના વિસ્તારમાં નાસભાગ મચી ગઇ હતી. મીટર પેટીમાં લાગેલી આગના કારણે હોસ્પિટલના પ્રથમ માળે સારવાર હેઠળ રહેલા દર્દીઓ ધુમાડાના કારણે ગુંગળાયા હતા. જેથી સ્થાનિક લોકોએ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા કુલ 8 દર્દીઓને તાત્કાલિક રેસ્ક્યૂ કરી ફાયર વિભાગને જાણ કરી હતી.
હોસ્પીટલમાં આગ વધુ ન પ્રસરે તે પહેલાં ફાયર વિભાગનો કાફલો પણ ગણતરીના સમયમાં જ ઘટના સ્થળે પહોંચચી આગ પર કાબૂ મેળવી લીધો હતો. જેથી ત્યાં રહેલા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આગ લાગતા લોકોના ટોળા ભેગા થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. જ્યારે આ ઘટનામાં કોઈ જાનહાની ન થતા મોટી દુર્ઘટના ટળી હતી.