- ગામની સીમમાં દેખાય રહ્યાં છે ચાર દીપડા
- વન વિભાગે પાંજરું મુકવાની કવાયત હાથ ધરી
- સર્વે દરમિયાન ધોળા દિવસે દેખાયા હતાં દીપડા
સુરત : બારડોલી તાલુકાનાં તાજપોર ગામમાં મંગળવારની રાત્રિએ ખેતરમાં કામ કરી રહેલા JCBના ડ્રાઇવરને એક સાથે ચાર દીપડા રખડતા જોવા મળ્યા હતા. જેનો તેણે વીડિયો બનાવ્યો હતો. જે બાદમાં ફ્રેંડ્સ ઓફ એનિમલ વેલ્ફેયરની ટીમને પણ સર્વે દરમિયાન ગુરુવારના રોજ ધોળા દિવસે દીપડા જોવા મળ્યાં હતાં. આ ઘટનાને લઈને ગ્રામજનોમાં દહેશત ફેલાયેલી જોવા મળી રહી છે.
સાત માસના વાછરડાનો કર્યો શિકાર
રાત્રે 12થી 3 કલાકના અરસામાં તાજપોર ગામના આહીર ફળિયામાં રહેતા પરભુભાઈ ગોવિંદભાઈ આહીરના ઘરની બહાર બાંધેલા એક સાત માસના વાછરડાને દીપડાએ શિકાર બનાવ્યો હતો. જો કે વાછરડું બાંધેલું હોય ખેંચી નહીં શકાતા તે શિકાર ત્યાં જ છોડીને નાસી છૂટ્યો હતો.
વાછરડાના ગળામાં દીપડાના દાંત હતા
સવારે ઉઠેલા પરભુભાઈએ વાછરડાને મૃત હાલતમાં પડેલું જોતાં તેઓ ગભરાઈ ગયા હતા. વાછરડાના ગળાના ભાગે દીપડાના દાંતના નિશાન જોવા મળ્યાં હતાં. આથી ગામના સરપંચ રાહુલ કોંકણીએ બારડોલીની ફ્રેંડ્સ ઓફ એનિમલ વેલ્ફેરની ટીમને જાણ કરી હતી. તેમને વન વિભાગની ટીમ સાથે ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને પાંજરું ગોઠવવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.