શહેરના સલાબતપુરાના ઉમરવાડા વિસ્તારમાં આવેલા ટેનામેન્ટમાં રહેતી 13 વર્ષીય કિશોરી ઘરેથી ભાગી જતાં પરિવારે પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી. આ ફરિયાદને આધારે સલાબતપુરા પોલીસે ગુનો નોંધી કિશોરીની શોધખોળ શરૂ કરી હતી. તે દરમિયાન પોલીસે કિશોરીની શોધ કરતાં પૂછપરછ હાથ ધરી હતી અને જેમાં ચોંકાવનારી ઘટના સામે આવી હતી.
આ પૂછપરછમાં બહાર આવ્યું હતું કે, સાવકા પિતા દ્વારા તેણીની સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું અને એટલું જ નહીં જો આ વાતની જાણ માતા અથવા કોઇને કરે તો ધમકી પણ આપી હતી. જેથી સાવકા પિતાના માનસિક ત્રાસ અને દુષ્કર્મનો ભોગ બનેલી પીડિત કિશોરીએ ના છૂટકે ભાગવાનું નક્કી કર્યું હતું.
જ્યાં પોલીસ તપાસમાં નરાધમ પિતાનો ભાંડો ફૂટી જતાં પોલીસે ધરપકડ કરી હતી. તે ઉપરાંત પીડિત કિશોરીનું સુરતની સ્મીમેર હોસ્પિટલમાં મેડિકલ પરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું અને આગળની તપાસ હાથ ધરાઇ હતી.