સુરત: ભાટિયા ટોલ નાકા પર સુરત અને બારડોલી પાસિંગના વાહન ચાલકોને ટોલટેક્સમાંથી મુક્તિ આપવાની માગ સાથે આંદોલન છેડવામાં આવ્યું છે. પંદર દિવસની અંદર જો ટોલ ટેક્સમાંથી વાહન ચાલકોને મુક્તિ નહીં આપવામાં આવે તો સાંસદો અને ધારાસભ્યોના નિવાસસ્થાન બહાર ઘેરાવ કરી ધરણા કરવાની ચીમકી ઉચ્ચારવામા આવી છે.
કામરેજ બાદ સુરતના ભાટીયા ટોલ નાકા પર સુરત અને બારડોલી પાર્સિંગના વાહનચાલકોને ટોલટેક્સમાંથી મુક્તિ આપવાની માગ સાથે સુરત ભાટીયા ટોલ ટેક્સ બચાવ સંઘર્ષ સમિતિ દ્વારા આંદોલનની શરૂઆત કરવામાં આવી છે. છેલ્લા પંદર દિવસથી સમિતિ નેશનલ હાઇવે ઓથોરિટી અને કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોમાં રજૂઆત કરી ચૂકી છે, તેમ છતાં પણ ટોલટેક્સમાંથી વાહનચાલકોને મુક્તિ આપવામાં આવી નથી. આ અંગે ભાટીયા ટોલ ટેક્સ બચાવવા સંઘર્ષ સમિતિ દ્વારા પંદર દિવસથી ચલાવવામાં આવી રહેલા આંદોલનને જંગી પ્રતિસાદ મળી રહ્યો છે.
સુરત શહેર અને જિલ્લાના ગામડાઓ તેમજ બારડોલીના ગામડા સહિતના વિસ્તારોના લોકોએ સમિતિની લડતને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો છે. સુરત પાર્સિંગના GJ 5 અને બારડોલીના GJ - 19 પાર્સિંગના વાહનચાલકોને પંદર દિવસની અંદર ટોલટેક્સમાંથી મુક્તિ નહીં આપવામાં આવે તો ચૂંટાયેલી પાંખના પ્રતિનિધિઓ સામે ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આ ઉપરાંત ધારાસભ્યો અને સાંસદોના નિવાસસ્થાન બહાર ઘેરાવ કરી ધરણા કરવાની ચીમકી આપવામાં આવી છે.