સુરત: જાણીતા અને ચકચારી દુર્લભ પટેલ આત્મહત્યા કેસને હજી 10 દિવસ જેટલો સમય થયો છે. ત્યારે શહેરમાં વધુ એક જમીનનો વિવાદ સામે આવ્યો છે. સુરતના રાંદેર વિસ્તારમાં રહેતા ખેડૂતે આપઘાત કરી લેતા ભારે ચકચાર મચી છે. વેડ રોડની જમીન બિલ્ડરને વેચ્યા બાદ રૂપિયા નહીં આપતા કિરીટ પટેલ આર્થિક ભીંસમાં મુકાયા હતા અને તેમણે આત્મહત્યા કરી લીધી હતી. આપઘાત કરતા પેહલાં તેમણે સુસાઈડ નોટમાં લખ્યું હતું કે મારી પર લેણદારોનું દબાણ વધી ગયું છે. મગન દેસાઈ મને મારા રૂપિયા આપતા નથી. જેથી હું આ પગલું ભરી રહ્યો છું.
![etv bharat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-sur-sucide-720931_18092020154245_1809f_1600423965_267.jpg)
રાંદેર સુંદરવન સોસાયટીમાં રહેતા ખેડૂત કિરીટ ડી.પટેલે ગુરૂવારે રાત્રે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. આત્મહત્યા કરતા પહેલા કિરીટ ધીરજભાઇ પટેલે પોલીસને સંબોધીને એક સ્યુસાઇડ નોટ પણ લખી હતી. જેમાં ઉલ્લેખ કરાયો છે કે, 'મારૂ દેવુ વધી ગયું છે. જેથી હું આત્મહત્યા કરુ છું, મારી પાસે વ્યાજવાળા દબાણ કરે છે. આવી મંદીમાં હું ક્યાંથી પૈસા લાઉં મારે મગન દેસાઇ પાસે પૈસા લેવાના છે. તેનો કેસ ચાલી રહ્યો છે. ગુરુકૂળ ચોકી પર પણ મે બધી સાચી હકીકત લખાવી છે. વ્યાજવાળા મારૂ ઘર પણ લઇ લેવા માંગે છે. મારા ફોનમાં કોલ રેકોર્ડીંગ છે તે તમે સાંભળજો. વ્યાજવાળાના નામ પણ આવી જશે. મારા ઘરવાળાને કોઇ હેરાન ન કરે તે જોજો. ઘણુ લખવાનું છે પણ મારી પાસે સમય નથી. તમે ઇન્ક્વાયરી કરી લેજો મને તમારી પર પુરો ભરોશો છે.'
![etv bharat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8848076_khadut.png)