સુરતઃ મહાઠગ કિરણ પટેલની હવામાં વાતોના એક પછી એક પાના ઉઘડી રહ્યા છે. આ પહેલા સોશિયલ મીડિયા પર એને ઉઘાડો પાડનાર ધવલ રાવલે મોટા ખુલાસા કર્યા હતા. એ પછી આ ભાઈ હવે સુરતમાં પણ પોતાની કળા કરી આવ્યા છે. એવી હકીકત સામે આવી છે. જેમાં એક ડાયમંડના વેપારીએ હવે મોટી અને ચોંકાવનારી વાત કહી દીધી છે.
સરકાર સાથે છેઃ જમ્મુ-કાશ્મીરમાં પીએમઓના નકલી અધિકારી બનીને છેતરપિંડી કરનારા કિરણ પટેલના દિવસેને દિવસે નવા કારનામા બહાર આવી રહ્યા છે. ત્યારે હવે આ મહાઠગ કિરણ પટેલે સુરતના ડાયમંડના વેપારી દિનેશ નાવડીયાનો પણ સંપર્ક કર્યો હતો. બંને વચ્ચે કાશ્મીરમાં મુલાકાત પણ થઈ હતી. મહાઠગ કિરણ પટેલે દિનેશ નાવડીયાને જણાવ્યું હતું કે, સરકાર તેની સાથે છે. કોઈ કામ હોય તો તેને જણાવે. જ્યારે કિરણ પટેલ દિનેશ નાવડીયાને મળવા આવ્યો હતો ત્યારે મિલેટ્રીની ગાડી અને બૂલેટપ્રુફ ગાડી તેની સાથે હતી.
બોગસ અધિકારી જ નહીં મહાઠગ પણ નીકળ્યો કિરણ પટેલઃ મહાઠગ કિરણ પટેલ માત્ર બોગસ અધિકારી જ નહીં, પરંતુ મહાઠગ પણ છે. તેને ગુજરાતના હીરા ઉદ્યોગપતિ દિનેશ નાવડીયાનો પણ સંપર્ક કર્યો હતો. તેમને અધિકારી સમજીને દિનેશ નાવડીયાએ અમદાવાદ જી 20 સમિટ માટે આમંત્રણ પણ આપ્યું હતું. બંને વચ્ચે અમદાવાદ અને જમ્મુ-કાશ્મીરમાં એક હોટેલમાં મુલાકાત પણ થઈ હતી. દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે, કિરણ પટેલે તેમને કહ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરમાં કોઈ કામકાજ હોય કે ગુજરાતમાં કોઈ કામ હોય તો તે કરી આપશે. જોકે તેની માટે ખર્ચો પણ થશે.
મુખ્યપ્રધાનને હું ડાયરેક્ટ વાત કરી શકું છુંઃ હિરાના વેપારી દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે, તેણે કહ્યું હતું કે, ગુજરાત સરકાર અને મુખ્યપ્રધાનને હું ડાયરેક્ટ વાત કરી શકું છું. મેં કહ્યું કે, મારે એવા કોઈ પણ પ્રકારના કામ હોતા નથી અને મારી કોઈ આવી જરૂર હોતી નથી. તેમ છતાં મને અવાર નવાર કહેતો કે, કોઈ જરૂર હોય તો મને કહેજો કોઈ કામ હશે તો કરી આપીશું. જોકે, ખર્ચ તમારે કરવો પડશે. પછી મને કહ્યું કે, હું કાશ્મીર જવાનો છું. મેં કહ્યું હતું કે, હું પણ કાશ્મીર જવાનો છું. તેને કીધું કે ત્યાં હોટલની અંદર આપણે મળીશું.
બુલેટપ્રુફ કાર અને મિલેટ્રીની બે ગાડીઓ પણ હતીઃ સાથે તેમણે જણાવ્યું હતું કે, જ્યારે કાશ્મીર ગયો ત્યારે તેનો (મહાઠગ કિરણ પટેલ) ફોન મને આવ્યો અને કહ્યું હતું કે, આપણે ચા પાણી પીવા માટે મળીશું. મેં કહ્યું કે તમે આવો. જ્યારે તેઓ આવ્યા ત્યારે હું સ્વાગત માટે ઊભો રહ્યો હતો. કારણ કે, અમારી માટે તો તેઓ અધિકારી હતા. તેમની સાથે બૂલેટપ્રુફ કાર અને મિલેટ્રીની બે ગાડી પણ હતી. મિલેટ્રીના જવાનોએ તેમને કારમાંથી ઉતાર્યા હતા. ત્યારબાદ તેઓ હોટેલમાં આવ્યા હતા.
આ પણ વાંચોઃ PMO Fake Officer Case: કિરણ પટેલને સોશિયલ મીડિયા પર એક્સપોઝ કરનારની ETV સાથે ખાસ વાતચીત
સરકાર આપણી સાથે જ છેઃ તેમણે ઉંમેર્યું હતું કે, અમે તેમની સાથે ચા પાણી પીધા અને વાતચીત થઈ. તે દરમિયાન મહાઠગ કિરણ પટેલે જણાવ્યું હતું કે, કાશ્મીરમાં પણ કંઈક કામ હોય તો મને જણાવજો સરકાર આપણી સાથે જ છે, પરંતુ મેં કહ્યું હતું કે, મારે કોઈ કામ છે જ નહીં. મારી કોઈ જરૂરિયાત ઊભી થશે નહીં. 2 દિવસ પહેલા આજે ખબર પડી કે આ મહાઠગ કિરણ પટેલ છે. મારા સોશિયલ મીડિયા એકાઉન્ટમાં તેની તમામ ડિટેલ સેવ છે.